ગુજરાતમાં હાલ ઉનાળો તેના અંતિમ ચરણમાં આકરૂં સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર અને કેટલાક સેન્ટરોમાં 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. બપોરના સમયે રસ્તાઓ સુમસામ થઈ જાય તેવી કાળઝાળ ગરમી વચ્ચે હવે હવામાન વિભાગે એક ચિંતાજનક સમાચાર આપ્યા છે. વાતાવરણમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં આજે માવઠું થવાની સંભાવના છે.

આ જિલ્લાઓમાં વરસાદી માવઠાની આશંકા

હવામાન વિભાગની સત્તાવાર આગાહી અનુસાર, સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને જામનગર જીલ્લામાં પવન સાથે હળવો કમોસમી વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જીલ્લામાં પણ મેઘમહેર થવાના એંધાણ છે. કેન્દ્રશાસિત પ્રદેશ એવા દીવ, દમણ અને દાદરા નગર હવેલીના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદી ઝાપટાં પડી શકે છે. આ આગાહીના પગલે ઉનાળુ પાક લેતા ખેડૂતોમાં ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે.

સુરેન્દ્રનગરમાં 43.8 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી

ભલે વરસાદની આગાહી હોય, પરંતુ રાજ્યમાં ગરમી અને અસહ્ય ઉકળાટમાંથી હાલ કોઈ રાહ મળે તેવા સંકેત નથી. ગરમીની સ્થિતિ યથાવત જ રહેશે. છેલ્લા 24કલાકમાં સુરેન્દ્રનગરમાં રાજ્યનું સૌથી વધુ 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 43.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 43 ડિગ્રી સાથે આકરો અગનઝાળ જોવા મળ્યો હતો. રાજકોટમાં 42.9 અને અમરેલીમાં 42.3 ડિગ્રી તાપમાનને કારણે લોકો પરસેવે રેબઝેબ થયા હતા. ભેજવાળા પવનોના કારણે દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે સુરત (36 ડિગ્રી) અને કેશોદ (38.1 ડિગ્રી)માં તાપમાન ઓછું હોવા છતાં બફારો ખૂબ જ વધારે અનુભવાઈ રહ્યો છે.

આ પણ વાંચો: Gujarat Latest News Updated Live: પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી ભડકો, સપ્તાહમાં સતત ત્રીજી વખત કિંમતો વધી