રાજ્યમાં સૂર્યનારાયણ હવે આકરા મૂડમાં જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગની નવીનતમ આગાહી અનુસાર, રાજ્યમાં આગામી દિવસોમાં ગરમી અને ખાસ કરીને ઉકળાટનું પ્રમાણ હજુ પણ વધશે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, દરિયાઈ અને જમીની પવનોની દિશામાં થયેલા મોટા ફેરફારના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જેના લીધે માત્ર સ્કોર્ચિંગ હીટ (સૂકી ગરમી) જ નહીં પરંતુ અસહ્ય બફારો (હ્યુમિડિટી) પણ લોકોને અકળાવશે. રાજ્યમાં સરેરાશ તાપમાન 40 ડિગ્રીથી લઈને 44 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની સંભાવના છે.

અમદાવાદ અને કંડલામાં સૌથી વધુ ગરમી

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા આંકડાઓ પર નજર કરીએ તો, અમદાવાદ શહેર 43.7 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ પંથકમાં પણ પારો આસમાને પહોંચ્યો છે, જેમાં કંડલામાં ૪૩.૨ ડિગ્રી, અમરેલીમાં 43.1 ડિગ્રી અને રાજકોટમાં ૪૩ ડિગ્રી તાપમાન નોંધાતા લોકો તોબા પોકારી ઉઠ્યા છે. આ સિવાય સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી અને પાટનગર ગાંધીનગરમાં 42.3 ડિગ્રી તાપમાને લોકોને અકળાવ્યા છે. ઉત્તર ગુજરાતના ડીસામાં 41.4 ડિગ્રી અને સરહદી જિલ્લા ભુજમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

દક્ષિણ ગુજરાતમાં ગરમી ઓછી પણ બફારો વધુ

બીજી તરફ, દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાનનો પારો થોડો નીચો છે પરંતુ ભેજને કારણે ત્યાં વાતાવરણ ભારે છે. વડોદરા અને ભાવનગરમાં પારો 40.2 ડિગ્રી રહ્યો છે. જ્યારે કેશોદમાં ૩code.૭ ડિગ્રી અને હીરાનગરી સુરતમાં 34.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભલે તાપમાન ઓછું દેખાતું હોય, પણ પવનની દિશા બદલાવાના લીધે ત્યાં પરસેવે રેબઝેબ કરી દેતો ઉકળાટ સૌથી વધુ અનુભવાઈ રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને બપોરના સમયે સીધા સૂર્યપ્રકાશમાં ન આવવા અને પૂરતા પ્રમાણમાં પ્રવાહી (પાણી, છાશ, લીંબુ પાણી) લેવા સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો:Gujarat Latest News Updated: રાજકોટમાં પ્રજાના ટેક્સના પૈસાનું પાણી, કૂતરાઓના ખસીકરણ પાછળ 1.2 કરોડ ખર્ચાયા