અમદાવાદ
સાયન્સ સિટી વિસ્તાર નજીક આવેલા હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ભક્તિભાવ અને ઉત્સાહથી ઉજવવામાં આવ્યો હતો. આ ઉત્સવ દરમિયાન મંદિર ખાતે મહા અભિષેક, ઝુલન ઉત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વર્ણ રથ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેણે ભક્તોને એક વિશિષ્ટ આધ્યાત્મિક અને ભાવનાત્મક અનુભવ કરાવ્યો હતો. ભક્તો અને મુલાકાતીઓએ ઉપસ્થિત રહીને ફરાળી કૃષ્ણ પ્રસાદમનો લાભ લીધો હતો. ઉત્સવની વિશેષતાઓમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ, દૂધની વાનગીઓ અને ફરસાણ સહિત 1008થી વધુ પ્રકારની વાનગીઓ ભગવાન શ્રીકૃષ્ણને અર્પણ કરવામાં આવી હતી, જે બાદ ભક્તોમાં પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ભગવાન સમક્ષ 151 કિલોગ્રામ વજનની વિશેષ શાકાહારી કેક પણ અર્પણ કરાઇ હતી.
