અમદાવાદની પ્રતિષ્ઠિત ઉદગમ સ્કૂલમાં ગેરકાયદેસર રીતે ટ્યુશન ક્લાસ ચાલતા હોવાના આક્ષેપ સાથે કરવામાં આવેલી અરજી પર ગુજરાત હાઈકોર્ટે સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે અરજદાર દ્વારા કરવામાં આવેલી અરજીમાં જરૂરી અને પૂરતી માહિતીનો અભાવ હતો. ખાસ કરીને, અરજી કરનાર વ્યક્તિઓ કોણ છે અને તેમની પૃષ્ઠભૂમિ શું છે તે અંગેનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. ન્યાયતંત્રએ સ્પષ્ટ કર્યું કે અધૂરી વિગતો સાથેની અરજી પર ન્યાયિક પ્રક્રિયા આગળ વધારી શકાય નહીં.
ઉદગમ સ્કૂલ વિવાદ
કોર્ટના કડક વલણ અને અરજીમાં રહેલી ટેકનિકલ ક્ષતિઓને ધ્યાને રાખીને અંતે અરજદાર દ્વારા આ અરજી પરત ખેંચી લેવામાં આવી હતી. અગાઉ, એવી રજૂઆત કરવામાં આવી હતી કે સ્કૂલના શૈક્ષણિક પરિસરમાં જ ખાનગી ટ્યુશન પ્રવૃત્તિઓ ધમધમી રહી છે, જે નિયમોનું ઉલ્લંઘન છે. જોકે, હવે અરજી પરત ખેંચાતા હાલ પૂરતી આ મામલે ઉદગમ સ્કૂલને મોટી રાહત મળી છે. હવે જોવાનું એ રહેશે કે અરજદાર ભવિષ્યમાં નવી વિગતો સાથે ફરી કોર્ટના દ્વાર ખખડાવે છે કે કેમ.













