અમદાવાદના કૃષ્ણનગર પોલીસ મથકની ટીમે એક યુવતીને સાયબર ક્રાઈમના ભયાનક સ્કેમ 'ડિજિટલ અરેસ્ટ'નો ભોગ બનતા બચાવી છે. સાયબર ઠગોના ધમકીભર્યા ફોનથી ડરી ગયેલી યુવતી એટલી હદે માનસિક તણાવમાં હતી કે તેણે આત્મહત્યા કરવાનું વિચારી લીધું હતું, પરંતુ પોલીસે યોગ્ય સમયે કાઉન્સેલિંગ કરી તેને નવું જીવન આપ્યું છે.
ધમકીભર્યા ફોન અને માનસિક ત્રાસ
ભોગ બનનાર યુવતીને છેલ્લા કેટલાક સમયથી અજાણ્યા નંબર પરથી સતત ધમકીભર્યા ફોન આવી રહ્યા હતા. ઠગબાજોએ 'ડિજિટલ અરેસ્ટ'નો ડર બતાવી યુવતીને ગંભીર કાયદાકીય કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ અજાણ્યા ભય અને સામાજિક બદનામીના ડરથી યુવતી ફફડી ઉઠી હતી અને અંતે કંટાળીને આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરવાનું મન બનાવી લીધું હતું.










