અમદાવાદ જિલ્લાના કાણોતર ગામના 40 વર્ષીય યુવકના મોત બાદ આરોગ્ય તંત્રની અત્યંત સંવેદનહીન અને કથળેલી હાલત સામે આવી છે. બેભાન અવસ્થામાં મળી આવેલા યુવકને તાત્કાલિક સારવાર માટે બગોદરા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જોકે, આશ્ચર્ય અને આઘાતની વાત એ છે કે યુવકને મૃત જાહેર કર્યા પછી પણ ડોક્ટરોએ ખાતરી માટે ECG કરાવવાનું કહ્યું હતું. બગોદરા હોસ્પિટલમાં ECG મશીનની સુવિધા ન હોવાથી, મૃતદેહને છેક બાવળા સુધી ભટકાવવાની નોબત આવી હતી. તંત્રની આ લાપરવાહી જોઈને પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.


તંત્રની સંવેદનહીનતા

પરિવારનો ગંભીર આક્ષેપ છે કે એક તરફ યુવકનું મોત થયું હતું અને બીજી તરફ હોસ્પિટલ પ્રશાસને તેમને સરકારી એમ્બ્યુલન્સ પણ પૂરી પાડી ન હતી. ખાનગી વાહનમાં મૃતદેહને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી. સરકારી હોસ્પિટલોમાં પાયાની સુવિધાઓ જેવી કે ECG મશીનનો અભાવ અને સ્ટાફની બિન-માનવીય વર્તણૂકે તંત્રની પોલ ખોલી નાખી છે. મૃતકના સંબંધીઓએ સવાલ ઉઠાવ્યો છે કે જો ડોક્ટરે પહેલેથી જ મૃત જાહેર કર્યો હતો, તો પછી ECG માટે મૃતદેહને શા માટે રઝળાવવામાં આવ્યો? આ ઘટનાએ સમગ્ર જિલ્લાના આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી છતી કરી છે.

આ પણ વાંચો : Patan News : સોલાર પેનલના નામે જમીન હડપવાનું કારસ્તાન! પોરાણા ગામે સરકારી જમીન પર મંજૂરી વિના નાખી પેનલો



  • Follow us on: