શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલા અજીત મિલ ચાર રસ્તા પાસે ગત 31 તારીખે એક સનસનાટીભરી ઘટના બની હતી. પત્ની પડોશમાં રહેતા પ્રેમી સાથે ભાગી જતાં ઉશ્કેરાયેલા પતિએ તેના સાગરીતો સાથે મળીને પ્રેમીના બનેવી પર જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે, જે ગુનેગારોની બેખોફ વૃત્તિ દર્શાવે છે.
પત્ની-પ્રેમી ન મળતા બનેવીનો ભોગ લેવાયો
ઘટનાની વિગતો મુજબ, રખિયાલ વિસ્તારમાં રહેતો ઈસ્માઈલ ઉર્ફે સમીર તેના જ પડોશમાં રહેતા અંસાર રાજપૂતની પત્ની હિનાને પ્રેમસંબંધમાં પોતાની સાથે ભગાડી ગયો હતો. પોતાની પત્નીને પ્રેમી સાથે ભાગી ગયેલી જોઈ પતિ અંસાર પિત્તો ગુમાવી બેઠો હતો. અંસારે તેની પત્ની અને પ્રેમી ઈસ્માઈલની શોધખોળ કરી હતી, પરંતુ તેઓ ન મળી આવતા તેણે પ્રેમીના બનેવીને નિશાન બનાવ્યા હતા.
ફિલ્મી ઢબે રિક્ષામાં આવીને હુમલો કર્યો
ઇસ્માઈલના બનેવી યાશીન પઠાણ અજીત મિલ ચાર રસ્તા પાસે હાજર હતા, ત્યારે અચાનક એક રિક્ષામાં ત્રણ શખ્સો ધસી આવ્યા હતા. અંસાર, ગુડ્ડુ અને અન્ય એક અજાણ્યો શખ્સ. રિક્ષામાંથી ઉતરતાની સાથે જ આ ત્રણેય શખ્સોએ યાશીન પઠાણ પર તિક્ષ્ણ હથિયારો વડે આડેધડ ઘા મારવાનું શરૂ કર્યું હતું.31 તારીખે બનેલી આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં હુમલાખોરો યાશીન પર હુમલો કરતા સ્પષ્ટ દેખાય છે.
બાપુનગર પોલીસ એક્શનમાં
હુમલા બાદ ઈજાગ્રસ્ત યાશીન પઠાણને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ મામલે બાપુનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજને પુરાવા તરીકે કબજે કરી અંસાર, ગુડ્ડુ અને તેના સાગરીતને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: Veraval: જૂનાગઢ બાયપાસ પર કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી