અમદાવાદના થલતેજ વિસ્તારમાં ધમધમતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કૌભાંડને પોલીસે ઝડપી પાડ્યું છે. રહેણાંક વિસ્તારમાં કોઈ પણ પ્રકારની સુરક્ષા કે પરવાનગી વિના જોખમી રીતે ગેસ રિફિલિંગનું કામ ચાલી રહ્યું હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે દરોડા પાડતા ગેરકાયદેસર રીતે ગેસની ચોરી કરી અન્ય બોટલમાં ભરવાનું મોટું નેટવર્ક સામે આવ્યું છે. આ કાર્યવાહીને પગલે આસપાસના રહીશોમાં પણ જાગૃતિ આવી છે.

થલતેજમાંથી ગેસ રિફીલીંગનું કૌભાંડ ઝડપાયું

દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી એક શખ્સની રંગેહાથ ધરપકડ કરી છે. પોલીસને તપાસ દરમિયાન ત્યાંથી 7 જેટલા ગેસના બોટલ (સિલિન્ડર) મળી આવ્યા છે, જેમાંથી ગેસની ચોરી કરવામાં આવતી હતી. આ સાથે જ ગેસ ટ્રાન્સફર કરવા માટે વપરાતી રિફિલિંગ પાઈપ અને ચોક્કસ વજન માપવા માટેનો ઇલેક્ટ્રિક વજનકાંટો પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ શખ્સ મોટા સિલિન્ડરમાંથી નાના બોટલમાં ગેસ ભરીને ઊંચા ભાવે વેચતો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

પોલીસે રિફીલિંગ પાઈપ અને વજનકાંટો જપ્ત કર્યો

રહેણાંક સોસાયટીઓ કે ગીચ વિસ્તારોમાં આ પ્રકારે થતું ગેસ રિફિલિંગ કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે, કારણ કે જરા પણ બેદરકારી મોટી આગ અથવા બ્લાસ્ટમાં પરિણમી શકે છે. પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ આવશ્યક વસ્તુ ધારા અને જાહેર જનતાના જોખમ ઊભું કરવા બદલ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ કૌભાંડમાં અન્ય કોઈ શખ્સો સામેલ છે કે કેમ અને તે ક્યાંથી ગેસના બોટલ મેળવતો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ તેજ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો