અમદાવાદ

અમદાવાદ શહેરના પોશ અને મધ્યમવર્ગીય વિસ્તારોમાં ઘરઘાટીઓ દ્વારા આચરવામાં આવતી ચોરી અને લૂંટના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. શેઠ અને માલિકના અંધવિશ્વાસનો અયોગ્ય લાભ ઉઠાવીને માત્ર થોડા જ મહિનાઓમાં લાખો-કરોડો રૂપિયાના દાગીના અને રોકડ સરકાવી લેતી ઘરઘાટી ગેંગ હવે અમદાવાદ પોલીસ માટે પણ મોટો પડકાર બની છે. ત્યારે હવે શાહીબાગમાં વેપારીના ઘરમાંથી 18.48 લાખની ચોરી ખુદ ઘરઘાટીએ કરી છે. તે સવા મહિનો કામ ઘરમાં હાથફેરો કરી ફરાર થઈ ગયો છે. શાહીબાગ વિસ્તારમાં રહેતા અને કાપડનો વ્યવસાય કરતા 47 વર્ષીય હિતેશ ચોપરાએ પોલીસ ફરિયાદમાં લખાવ્યા અનુસાર છેલ્લા સવા મહિનાથી કમલેશ નામનો શખસ તેના ઘરે સાફ્-સફાઈ અને ઘરકામ કરતો હતો અને ઘરના પાછળના ભાગે આવેલી રૂમમાં રહેતો હતો. જોકે, ચોરીની ઘટના બન્યા બાદ તપાસ કરતા સામે આવ્યું હતું કે નોકરનું સાચું નામ જયંતિલાલ છે અને તેણે પોતાની ખોટી ઓળખ આપીને નોકરી મેળવી હતી. મૂળ રાજસ્થાનના ડુંગરપુરમાં અને હાલમાં સુરતના ઉમરગામ ખાતે રહેતો કમલેશ નામનો વ્યક્તિ છેલ્લા સવા મહિનાથી ઘરઘાટી તરીકે હતો વેપારી પોતાની દુકાને ગયા હતા અને તેના પત્ની બહારગામ ગયેલા હોવાથી ઘરમાં કોઈ હાજર નહોતું. આ તકનો લાભ ઉઠાવીને નોકર જયંતિલાલ ઉર્ફે કમલેશ મુખ્ય રૂમમાં પ્રવેશ્યો હતો. તેણે બેડની બાજુના ડ્રોઅરમાંથી કબાટની ચાવી શોધી કાઢી તિજોરી ખોલી હતી. તિજોરીમાંથી 14.48 લાખ રૂપિયાની કિંમતના 36 તોલા 2 ગ્રામ સોનાના દાગીના તથા 4 લાખ રૂપિયાની રોકડ રકમ મળીને કુલ 18.48 લાખ રૂપિયાની ચોરી કરી હતી. ઘરમાં લાગેલા CCTVકેમેરાના ફૂટેજમાં કમલેશ ઘરેણાં અને રોકડ રકમ ભરેલી બેગ લઈને ઘરની બહાર ભાગતો નજરે પડયો હતો. મહત્વની વાત એ છે કે કમલેશના રૂમમાં જઈને તપાસ કરતા સિવિલ હોસ્પિટલની એક પુસ્તિકા આવી હતી જેમાં દર્દીનું નામ જયંતીલાલ અને રહેવાસી રાજસ્થાન જોધપુર લખેલું હતું. ત્યારે ઘરઘાટીનો અસલી ચહેરો સામે આવ્યો હતો. અમદાવાદ શહેર પોલીસના ગુનાખોરીના સત્તાવાર આંકડા અને ક્રાઇમ બ્રાન્ચના ડેટા અનુસાર, છેલ્લા 3 વર્ષ દરમિયાન (વર્ષ 2024, 2025 અને ઓગસ્ટ 2026 સુધીમાં) અમદાવાદ શહેરમાં ઘરઘાટીઓ દ્વારા ચોરી, વિશ્વાસઘાત અને લૂંટના 250થી વધુ સત્તાવાર કિસ્સાઓ નોંધાયા છે. જેમાંથી આશરે 40% કરતાં વધુ બનાવોમાં ચોક્કસ જ્ઞાતિના મૂળના ઘરઘાટીઓ કે તેમની સાથે જોડાયેલી આંતરરાજ્ય ગેંગની સંડોવણી સામે આવી છે. ઘરઘાટીઓ દ્વારા ચોરી અને લૂંટ આચરવા માટે ચોક્કસ પેટર્ન અપનાવવામાં આવે છે. મોટાભાગના કિસ્સાઓમાં ઘરઘાટીઓ પોતાની સાચી ઓળખ છુપાવવા ખોટા નામો અને અન્ય રાજ્યના બોગસ આધારકાર્ડ/ઓળખપત્રો રજૂ કરે છે. ઘરમાં ઈરાદાપૂર્વક ચોરી કરવા આવેલો ઘરઘાટી એકલો નથી હોતો, પરંતુ તેની આખી આંતરરાજ્ય ગેંગ બહાર સક્રિય હોય છે.