ગોમતીપુરમાં સલાટ નગર પાસે અંગત અદાવત રાખીને મોડી રાત્રે જાહેર રોડ પર મૂકેલી ઘોડાગાડીની બગીને પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી. આટલું જ નહીં, બગીની બાજુમાં આવેલા ઘોડાના તબેલામાં પણ આગ લગાવવાનો પ્રયાસ કરાયો હતો. સ્થાનિકોએ બૂમાબૂમ કરી તાત્કાલિક પાણીનો મારો ચલાવતા અને ઘોડાઓનું રેસ્ક્યૂ કર્યુ હતુ. આ અંગે સ્થાનિક કોંગ્રેસ મહિલા કોર્પોરેટરના ભત્રીજા અને તેના સાથીઓ સામે તલવારથી હુમલો કરી ધમકી આપ્યાનો આક્ષેપ મહિલાએ કર્યો છે. આ અંગે ગોમતીપુર પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

ગોમતીપુરમાં રહેતો 20 વર્ષીય મોહંમદ નકીબ સંઘી ઘોડાઘાડીનો ધંધો કરે છે. ગત 16 જુલાઈએ મોડી રાત્રે ઘોડાની બગી પર હાજર નોકર જમવા માટે ગયો હતો. ત્યારે અગાઉના ઝઘડાની અદાવતમાં આરોપી ફરદિન અને તેના સાથીદારો ફૈયાઝ સંઘી, ઇસ્માઇલ શેખ અને અયાન પેટ્રોલ સાથે ત્યાં ધસી આવ્યા હતા. તેઓએ બગી પર પેટ્રોલ છાંટીને તેને આગ ચાંપી દીધી હતી. ત્યારે ભોગ બનનાર મહિલા શહેનાઝ સંધિના જણાવ્યા મુજબ જો સ્થાનિકોએ સમયસૂચકતા વાપરીને પાણીનો મારો ન ચલાવ્યો હોત અને તબેલામાંથી ઘોડાઓને બહાર ન કાઢયા હોત તો જીવતા ભૂંજાઈ ગયા હોત. સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ મુખ્ય આરોપી ફરદીને ગુનાહિત માનસિકતા પ્રદર્શિત કરતા ધમકી આપી હતી કે મારી ફોઈ ગોમતીપુર વોર્ડની કોંગ્રેસ કોર્પોરેટર છે એટલે પોલીસ અમારો વાળ પણ વાંકો કરી શકશે નહીં. તેવી ધમકી આપી હતી. જ્યારે સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. આ અંગે નકીબે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ચારેય શખ્સો સામે ફરિયાદ નોધાવી છે. મહત્વનું છે કે, આરોપી વિરુદ્ધ પશુ પર અત્યાચારને લઈને પણ કલમો લગાવવામાં આવી છે. પોલીસનું માનવું છે કે જો સમયસર ઘોડા ઉપર સમયસર પાણીનો મારો ન ચલાવવામાં આવ્યો હોત અને ઘોડાને રેસ્ક્યુ ન કરાયા હોત તો ઘોડાનો જીવ ,પણ જઈ શકતો હતો. આ કૃત્યને પોલીસે ગંભીરતાથી નોંધ લીધી છે. મહત્વનું છે કે આરોપી વિરદ્ધ અન્ય કોઈ ગુના છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે.