અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે શહેરીજનો માટે બગીચાઓ બનાવવામાં આવે છે, પરંતુ સ્ટાફ્ની આળસ અને અધિકારીઓની ઉદાસીનતાના કારણે આ બગીચાઓ હવે બિસ્માર બની રહ્યા છે. ગોમતીપુર વોર્ડમાં આવેલા મનુભાઈ પરમાર ઉદ્યાનમાં પણ હાલ આવી જ કંઈક દયનીય સ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ વ્યાપ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે વહેલી સવારે અને સાંજના સમયે મોટી સંખ્યામાં વડીલો, સિનિયર સિટિઝનો અને બાળકો અહીં શુદ્ધ હવા મેળવવા તેમજ જોગિંગ અને વોકિંગ માટે આવે છે. પરંતુ, ગાર્ડનની બહારની સાઈડ રોડ પર આવેલા જાહેર AMC પેશાબખાનાના ચેમ્બરમાંથી ગંદા પાણીનું લીકેજ સીધું બગીચાની અંદર થઈ રહ્યું છે. આ લીકેજના કારણે આખા બગીચામાં વસમી અને અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ છે. શુદ્ધ હવા લેવા આવતા નાગરિકોને હવે ગંદકી અને રોગચાળાનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે તંત્રને વારંવાર અરજીઓ કરવા છતાં પણ જવાબદાર અધિકારીઓ જાણે કશું જ પડયું ન હોય તેમ કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો