જો તમે પણ દેશના આકાશની રક્ષા કરવા માંગો છો અને ગૌરવવંતી લાઈફસ્ટાઈલ જીવવાના શોખીન છો, તો ભારતીય વાયુસેના (IAF) તમારા માટે શ્રેષ્ઠ તક લઈને આવ્યું છે. એરફોર્સ દ્વારા AFCAT કોર્સ માટેની ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ પસંદ પામેલા ઉમેદવારોને વાયુસેનામાં સીધો ક્લાસ-1 ગેઝેટેડ ઓફિસર (Class-1 Gazetted Officer) નો પ્રતિષ્ઠિત દરજ્જો એનાયત કરવામાં આવશે.
લાયકાત અને વયમર્યાદાની શરતો
વાયુસેનાની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે ધોરણ ૧૨ માં ફિઝિક્સ (ભૌતિકવિજ્ઞાન) અને મેથ્સ (ગણિત) વિષયો સાથે પાસ કરેલું હોવું જોઈએ, તેમજ કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (સ્નાતક) ની પદવી મેળવેલી હોવી ફરજિયાત છે. આ ઉપરાંત BE અથવા B.Tech (એન્જિનિયરિંગ) નો અભ્યાસ કરનારા ઉમેદવારો પણ આ ભરતી માટે પાત્ર ગણાશે.
કુલ બેઠકોમાંથી 10 ટકા બેઠકો અનામત
વયમર્યાદાની વાત કરીએ તો, ફ્લાઇંગ બ્રાન્ચ માટે ઉમેદવારની ઉંમર 20 થી 24 વર્ષ ની વચ્ચે હોવી જોઈએ. જ્યારે ગ્રાઉન્ડ ડ્યુટી (ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ) માટે વયમર્યાદા 20 થી 26 વર્ષ રાખવામાં આવી છે. નોંધનીય બાબત એ છે કે, આ ભરતીમાં માત્ર અપરિણીત (Unmarried) ઉમેદવારો જ અરજી કરી શકશે. જ્યારે નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) નું સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારો માટે કુલ બેઠકોમાંથી 10 ટકા બેઠકો અનામત રાખવામાં આવી છે.
પરીક્ષા પદ્ધતિ અને આકર્ષક લાભો
યોગ્યતા ધરાવતા ઉમેદવારો આગામી 19 જૂન સુધી ઓનલાઇન અરજી કરી શકશે, જેના માટે સામાન્ય અરજી ફી 550 + GST નક્કી કરાઈ છે. અરજી કર્યા બાદ ઉમેદવારોની 8 ઓગસ્ટના રોજ ઓનલાઇન કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) યોજાશે, જે કુલ 300 ગુણની રહેશે. આ લેખિત પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોએ ત્યારબાદ AFSB (Air Force Selection Board) નો ઇન્ટરવ્યુ અને શારીરિક-માનસિક ટેસ્ટ પાસ કરવાનો રહેશે.
વાયુસેના તરફથી આકર્ષક સેલેરી પેકેજ
પસંદગી પામનાર ઓફિસર્સને વાયુસેના તરફથી આકર્ષક સેલેરી પેકેજ, સરકારી નિયમ મુજબ મફત આવાસ (સુવિધાસભર ઘર), પરિવાર અને પોતાના માટે સંપૂર્ણ મફત તબીબી (મેડિકલ) સુવિધાઓ તેમજ ડ્યુટી દરમિયાન સુરક્ષા માટે 1.25 કરોડનું મજબૂત વીમા કવચ (Insurance Cover) જેવા શાનદાર લાભો મળવાપાત્ર રહેશે.
આ પણ વાંચો: Rajkot: હોસ્પિટલમાં યોગ્ય સમયે સારવાર ન મળતા 42 વર્ષીય યુવકનું મોત, પરિવારે લગાવ્યા ગંભીર આક્ષેપ