અમદાવાદ શહેરનો સૌથી વ્યસ્ત અને ધમધમતો વિસ્તાર એટલે એસ.જી. હાઈવે. આ હાઈવે પર આવેલો ઇસ્કોન ફ્લાયઓવર 19 જુલાઈ 2023ની એ કાળી રાત્રે ગુજરાતના ઇતિહાસના સૌથી ભયાનક, હૃદયદ્રાવક અને ક્રૂર હીટ એન્ડ રન કેસનો મૂક સાક્ષી બન્યો હતો. મધ્યરાત્રિનો સમય હતો. રસ્તાઓ પર સામાન્ય ચહલપહલ હતી. ઇસ્કોન ફ્લાયઓવર પર અગાઉ થયેલા એક થાર કારના અકસ્માતને જોવા અને ત્યાં ઘાયલોની મદદ કરવા માટે કેટલાક નિર્દોષ નાગરિકો અને ફરજ પરના પોલીસકર્મીઓ એકઠા થયા હતા.
એ ભયાનક અકસ્માત હતો
કોઈને ખ્યાલ નહોતો કે આગામી થોડી જ ક્ષણોમાં એક ભયાનક કાળ તેમની તરફ ધસી રહ્યો છે. 19 વર્ષનો અતિશય બેફામ બનેલો તથ્ય પ્રજ્ઞેશ પટેલ પોતાની કરોડોની કિંમતની આલીશાન જગુઆર કાર લઈને પૂરપાટ ઝડપે ધસી આવ્યો. 140થી વધુની સ્પીડે દોડતી એ કારે બ્રિજ પર ઊભેલા માનવમેદનીને ફંગોળી નાખી. એ અકસ્માત એટલો ભયાનક હતો કે લોકો હવામાં 20 ફૂટ ઊંચા ઊછળ્યા અને રસ્તા પર લોહીની નદીઓ વહી ગઈ. આ હૃદયદ્રાવક ઘટનામાં 9 માસૂમ લોકોના ઘટનાસ્થળે અથવા સારવાર દરમિયાન મોત નીપજ્યા, જેમાં બે પોલીસ કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનનો પણ સમાવેશ થતો હતો. આ કેસે સમગ્ર દેશના અંતરાત્માને ઢંઢોળી મૂક્યો હતો.
ફાંસીની સજા થવી જોઈએ
આજે તથ્ય પટેલ જેલ મુક્ત થતાં અકસ્માતના પીડિત પરિવારો અને જેમના સ્વજનો આ ઘટનામાં હોમાઈ ગયા હતા, તેમનામાં નિરાશાની લાગણી વ્યાપી ગઈ છે. પીડિતોનું માનવું છે કે 9 માસૂમોના જીવ લેનાર આરોપીને કડકમાં કડક આજીવન કેદ અથવા ફાંસીની સજા થવી જોઈએ.
સંદેશ ડીજીટલે પીડિત મિજાન સાથે કરી ખાસ વાત
સંદેશ ડીજીટલની ટીમે આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા અને મોતના મુખમાંથી માંડ-માંડ બચેલા સાક્ષી અને પીડિત મિજાન ઇરફાન ભાડભુંજા સાથે ખાસ વાતચીત કરી હતી. મિજાન એ રાત્રે ઘટનાસ્થળે હાજર હતો અને તેણે એ ભયાનક ઘટના પોતાની આંખો સામે જોઇ હતી.
મિજાને રાતની ભયાવહતા વર્ણવી
તેણે રૂંધાયેલા ગળે એ રાતની ભયાવહતા વર્ણવતા કહ્યું કે હું અને મારા બે મિત્રો એ રાત્રે એસ.જી. હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. ઇસ્કોન બ્રિજ પર એક થાર કારનો અકસ્માત થયો હતો. માનવતાના નાતે અમે ત્યાં અકસ્માતનો ભોગ બનેલા લોકોની મદદ કરવા માટે ઊભા રહ્યા. બ્રિજ પર અંધારું હતું અને વાતાવરણ ધૂંધળું હતું. અમે હજુ ઘાયલોને સંભાળી રહ્યા હતા ત્યાં જ તથ્ય પટેલ અતિશય ઓવરસ્પીડમાં પોતાની જગુઆર કાર લઈને આવ્યો. તેની સ્પીડ એટલી વધારે હતી કે કોઈને ખસવાનો મોકો જ ન મળ્યો.
હું ગાડીના પાછળના વ્હીલમાં ફસાઈ ગયો
મિજાન આગળ જણાવે છે કે, હું પાછળ જોવા ગયો એટલામાં જ ગાડી ધડાકાભેર અમારી સાથે અથડાઈ. હું ગાડીના પાછળના વ્હીલમાં ફસાઈ ગયો હતો. જો હું ત્યાં ન ફસાયો હોત, તો એ ગાડી આગળ ઊભેલા બીજા અસંખ્ય લોકોને કચડી નાખત. મારી પાછળ રહેલા મારા મિત્રએ હિંમત બતાવીને ગાડી સહેજ ઊંચી કરી અને મને વ્હીલમાંથી બહાર કાઢ્યો. એ દ્રશ્ય યાદ કરતાં જ આજે પણ મારી રૂંવાટી ઊભી થઈ જાય છે.
હોસ્પિટલના ચક્કર અને માનસિક આઘાત
અકસ્માત બાદ મિજાનની હાલત અત્યંત નાજુક હતી. તેને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ઇજાઓ એટલી ગંભીર હતી કે પરિવારે એક પછી એક ચાર હોસ્પિટલો બદલવી પડી હતી. મિજાનના શરીરના અંગો કચડાઈ ગયા હતા અને તેના બચવાની આશા બહુ ઓછી હતી. અસંખ્ય ખાનગી ઓપરેશનો બાદ તેનો જીવ બચાવી શકાયો.
મારી રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે
પરંતુ આ શારીરિક પીડા કરતાં પણ મોટો આઘાત માનસિક હતો. મિજાન કહે છે કે આ અકસ્માતને વર્ષો વીતી ગયા હોવા છતાં, આજે પણ હું માનસિક રીતે સામાન્ય થઈ શક્યો નથી. રાત્રે જ્યારે હું સૂવાનો પ્રયત્ન કરું છું, ત્યારે મને એ જ કાળી રાતના દ્રશ્યો દેખાય છે. મને ભયાનક સપના આવે છે કે મારો અકસ્માત થઈ રહ્યો છે અને હું ચીસો પાડીને જાગી જાઉં છું. મારી રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે.
ઘર ગીરવે મૂક્યું, દાગીના વેચ્યા
તથ્ય પટેલના એક બેજવાબદાર કૃત્યથી માત્ર 9 લોકોના મોત જ નથી થયા, પરંતુ મિજાન જેવા કેટલાય મધ્યમવર્ગીય પરિવારો આર્થિક રીતે બરબાદ થઈ ગયા છે. મિજાનના પિતા અમદાવાદના રસ્તાઓ પર ઓટો રિક્ષા ચલાવીને માંડ-માંડ ઘરનું ગુજરાન ચલાવે છે. મિજાનની સારવાર પાછળ પરિવારે અંદાજે 15 થી 20 લાખ રૂપિયાનો અંધાધૂંધ ખર્ચ કરવો પડ્યો હતો. રિક્ષા ચલાવતા પિતા પાસે આટલી મોટી રકમ હોવી અશક્ય હતી. પરિણામે, દીકરાનો જીવ બચાવવા માટે પરિવારે પોતાનું એકમાત્ર ઘર ગીરો મૂકવું પડ્યું અને માતાના સોનાના તમામ દાગીના વેચી દેવા પડ્યા. આજે આ પરિવાર દેવાના ડુંગર નીચે દબાયેલો છે.
યોગ્ય વળતર આપવામાં આવે
મિજાનકહે છે કે સરકારે અમને 50 હજાર રૂપિયાની આર્થિક સહાય આપી હતી. પરંતુ તમે જ વિચારો, આજના સમયમાં 50 હજાર રૂપિયામાં શું થાય? એટલી રકમ તો માત્ર મારા એક્સ-રે અને પ્રાથમિક રિપોર્ટ્સ કરાવવામાં જ વપરાઈ ગઈ હતી. મારી સરકારને નમ્ર અપીલ છે કે અમને યોગ્ય વળતર આપવામાં આવે જેથી અમે અમારું દેવું ચૂકવી શકીએ અને ફરીથી સન્માનભેર જીવી શકીએ."
ભાઈ નુમાન ભાડભુંજાની વેદના
મિજાનના ભાઈ નુમાન ભાઈ ભાડભુંજા, જેઓ પોતે એક નાની ગેરેજ ચલાવીને પરિવારને આર્થિક ટેકો આપે છે, તેમણે પણ સંદેશ ડીજીટલ સમક્ષ પોતાનો ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. તેમણે જણાવ્યું કે મારો ભાઈ મિજાન જ્યારે અકસ્માત થયો ત્યારે માત્ર 18 વર્ષનો હતો, આજે તે 21 વર્ષનો થયો છે. તે માત્ર 10 પાસ હતો અને દેશની સેવા કરવા માટે પોલીસ ભરતીની તનતોડ તૈયારી કરી રહ્યો હતો. તેનું સપનું પોલીસ ઓફિસર બનવાનું હતું. પરંતુ એ એક રાતે તેના તમામ સપનાઓ રોળી નાખ્યા. છેલ્લા ત્રણ વર્ષથી તે બરાબર ચાલી પણ શકતો નથી, તો પોલીસની દોડાદોડ અને ટ્રેનિંગ તો દૂરની વાત છે."
નુમાન ભાઈએ તથ્યના જામીન અંગે કહ્યું
તથ્ય પટેલને જામીન મળ્યા એ ખૂબ જ આઘાતજનક બાબત છે. મારો ભાઈ પીડિત હતો, તે નસીબજોગે બચી ગયો, પણ જે 9 લોકોના પરિવારોએ પોતાના વહાલસોયા દીકરાઓ ગુમાવ્યા છે, તેમના આત્માને શું ન્યાય મળ્યો? મારા ભાઈના એક પગમાં ત્રણ મોટા ઓપરેશન કરવા પડ્યા છે, જેમાં પ્લેટો અને લોખંડના સળિયા ફિટ કરવામાં આવ્યા છે. બીજા પગમાં પણ એક ઓપરેશન થયું છે. આજે અકસ્માતના આટલા વર્ષો પછી પણ તેને ચાલવામાં અસહ્ય તકલીફ પડે છે. લંગડાતા-લંગડાતા ચાલવું પડે છે. તે કોઈ ભારે કામ કે ધંધો-રોજગાર કરી શકતો નથી. જે દીકરો ઘરનો આર્થિક સહારો બનવાનો હતો, તે આજે ઘરના ખૂણામાં બેસી રહેવા મજબૂર બન્યો છે. અમે પોતે દેવું કરીને 15-20 લાખ ખર્ચ્યા, હું ગેરેજ ચલાવીને વ્યાજના હપ્તા ભરી રહ્યો છું,
આ પણ વાંચો---- Ahmedabad : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 લોકોનો જીવ લેનારો મુખ્ય આરોપી તથ્ય પટેલ જેલમુક્ત થશે