સ્વામિનારાયણ જેતલપુરધામ ખાતે આયોજિત દ્વિશતાબ્દી મહોત્સવ માત્ર ભક્તિભાવ જ નહીં, પરંતુ પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું પણ પ્રતીક બની રહ્યો છે. તારીખ 5 થી 11 માર્ચ 2026 દરમિયાન યોજાયેલા આ મહોત્સવમાં લાખો ભક્તોની ઉપસ્થિતિ છતાં પાણીનો બગાડ અટકાવવા માટે જે આધુનિક વ્યવસ્થા કરવામાં આવી, તેણે ગ્લોબલ એક્સેલન્સ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવીને વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.
28 લાખ લિટર પાણીનું રિસાયક્લિંગ
મહોત્સવમાં આવતા ભક્તો દ્વારા વપરાતા પાણીને પર્યાવરણને અનુકૂળ રીતે શુદ્ધ કરવા માટે ખાસ STP (Sewage Treatment Plant) સિસ્ટમ ગોઠવવામાં આવી હતી. Reciclar Technologies Pvt. Ltd. અને Memtrix Technologies LLP ના ટેકનિકલ સહયોગથી દરરોજ 4,00,000 લિટર અને સમગ્ર 7 દિવસના મહોત્સવ દરમિયાન કુલ 28 લાખ લિટર પાણીનું રિસાયક્લિંગ કરવામાં આવ્યું હતું.
શુદ્ધિકરણની અદ્યતન પ્રક્રિયા
આ પ્લાન્ટ GPCB/CPCB ના તમામ નિયમોનું ચુસ્ત પાલન કરીને કાર્યરત હતો. ઇનલેટ ચેમ્બરમાં મોટા કચરાને દૂર કરાયો.એર બ્લોઅર દ્વારા પાણીની ગુણવત્તા સમાન બનાવવામાં આવી. બેક્ટેરિયા અને ઓક્સિજનના ઉપયોગથી કાર્બનિક પદાર્થોને તોડીને પાણીને શુદ્ધ કરવામાં આવ્યું. સેકન્ડરી સેટલિંગ ટાંકામાં સ્લજ દૂર કરી સ્વચ્છ પાણી મેળવવામાં આવ્યું.
સમાજ માટે પ્રેરણાદાયક પહેલ
શુદ્ધ થયેલા પાણીનો ઉપયોગ માત્ર ગાર્ડનિંગ, ફ્લશિંગ અને કૂલિંગમાં જ નહીં, પરંતુ સ્થાનિક ખેડૂતોને ખેતી માટે પણ આપવામાં આવ્યો હતો. આ પહેલથી પાણી સંરક્ષણની સાથે ટકાઉ કૃષિ પદ્ધતિઓને પણ પ્રોત્સાહન મળ્યું છે.ગ્લોબલ એક્સેલન્સ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા આ સેવાને સન્માનિત કરવામાં આવી છે.
આ પણ વાંચો: Vadodara: કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત, માંગ કરતા સપ્લાય અડધો થતા વેટિંગ લિસ્ટ લંબાયું