અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં ફરી એકવાર રોડ રસ્તાઓની હાલત ચિંતાજનક બની છે. કાંકરિયામાં ફૂટબોલ ગ્રાઉન્ડથી લઈને અપ્સરા સિનેમા સુધીના રોડ પર થોડા દિવસ પહેલાં પડેલા નાનકડા ભૂવાએ હવે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું છે, જેના કારણે આખો રોડ બેસી ગયો છે. આ જોખમી સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ફૂટબોલ ગ્રાઉન્ડથી અપ્સરા સિનેમા સુધીનો આખો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલાં આ રોડ પર એક નાનકડો ભૂવો પડયો હતો. તંત્ર દ્વારા તે સમયે યોગ્ય સમારકામ કરવામાં આવ્યું ન હતું, અને ફ્ક્ત નામ પૂરતું જ કામ કરીને ભૂવાને પૂરી દેવામાં આવ્યો હતો. આ બેદરકારીને કારણે, આજે અચાનક આખેઆખો રોડ બેસી ગયો છે અને મોટો ખાડો પડી ગયો છે. આ રોડ પર દિવસ-રાત ભારે ટ્રાફ્કિ રહેતો હોય છે. રોડ પર આટલો મોટો ભૂવો પડવાથી ગમે ત્યારે કોઈ મોટી અકસ્માત સર્જાઈ શકે છે. જો કોઈ વાહનચાલક આ અંધારામાં ભૂવા પર ચડી જાય તો તેને જીવ જોખમમાં મૂકાવાની શક્યતા રહેલી છે. આ ઘટના તંત્રની બેદરકારી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. નાનકડો ભૂવો પડયો હતો ત્યારે જ તેનું યોગ્ય સમારકામ કેમ ન કરવામાં આવ્યું? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના ઘટવાની રાહ જોઈ રહ્યું હતું?
