સમગ્ર વિશ્વમાં વસતા ગુજરાતીઓને સાંકળવા અને તેમનું પ્રતિનિધિત્વ કરવા કાર્યરત ગ્લૉબલ ગુજરાતી ફેડરેશનના ઉપક્રમે અમદાવાદના સોલા સ્થિત શ્રી ભાગવત વિદ્યાપીઠ ખાતે કૃષ્ણ કનેક્શન - એક ભક્તિમય સ્વરસંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રજ્ઞાચક્ષુ ગાયકોએ શ્રીકૃષ્ણને સમર્પિત ગીતો અને ભજનોની ભાવસભર રજૂઆત કરીને સમગ્ર વાતાવરણને કૃષ્ણમય બનાવી દીધું હતું. કાર્યક્રમમાં પ્રતિભાશાળી પ્રજ્ઞાચક્ષુ ગાયકો પોતાના સૂરીલા કંઠે શ્રીકૃષ્ણનાં ગીતો અને ભજનો રજૂ કર્યાં હતાં. તેમની ભાવપૂર્ણ અને અસરકારક રજૂઆતને ઉપસ્થિત શ્રોતાઓએ ઉમળકાભેર વધાવી લીધી હતી. આ પ્રસંગે ગ્લૉબલ ગુજરાતી ફેડરેશનના સ્થાપક રમેશ તન્નાએ કહ્યું હતું કે સંસ્થાના ઉપક્રમે આગામી 6, 7 અને 8 ફેબ્રુઆરી, 2027 દરમિયાન અમદાવાદમાં વિશ્વના 129 દેશોમાં વસતા ગુજરાતીઓના પ્રતિનિધિઓને સાંકળતી ગ્લૉબલ ગુજરાતી કોન્ફરન્સ યોજાઈ રહી છે. આ વૈશ્વિક સંમેલનની પૂર્વભૂમિકાના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને કૃષ્ણ કનેક્શન પણ એ જ શ્રોણીની એક વિશિષ્ટ પહેલ છે.
