ભારતની ઉર્જા સુરક્ષા અને રાંધણ ગેસ (LPG) ના પુરવઠાને વધુ મજબૂત કરવા માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સાઉદી અરેબિયાના યાનબો પોર્ટથી નીકળેલું વિશાળ ગેસ જહાજ ‘AL AIN’ રવિવારની વહેલી સવારે કચ્છના મુંદ્રા પોર્ટ પર લાંગરશે. આ જહાજ ભારત માટે હજારો ટન એલપીજીનો જથ્થો લઈને આવી રહ્યું છે, જેનાથી દેશમાં ગેસની સપ્લાય ચેઈન વધુ સુદ્રઢ બનશે.

મુંદ્રા અને મેંગલોર પોર્ટ પર ગેસ ખાલી કરાશે

મળતી માહિતી મુજબ, ‘AL AIN’ જહાજ કુલ 48,000 મેટ્રિક ટન LPG ના જથ્થા સાથે ભારત આવી રહ્યું છે. મુંદ્રા પોર્ટ પર પહોંચ્યા બાદ, આ જહાજમાંથી અંદાજે 28,000 ટન ગેસ ખાલી કરવામાં આવશે. મુંદ્રામાં નિર્ધારિત જથ્થો ઉતાર્યા બાદ આ વિશાળ જહાજ બાકીનો ગેસ ખાલી કરવા માટે કર્ણાટકના મેંગલોર પોર્ટ તરફ રવાના થશે.

ખતરનાક રૂટ પાર કરી ભારત પહોંચશે

આ જહાજની સફર ઘણી પડકારજનક રહી છે, કારણ કે તે સમુદ્રી ચાંચિયાઓ અને ભૌગોલિક તણાવ ધરાવતી ઈડનની ખાડી ને સુરક્ષિત રીતે પાર કરીને ભારતીય સરહદમાં પ્રવેશી રહ્યું છે. યાનબો પોર્ટથી રવિવાર સવારે તે મુંદ્રાના ટર્મિનલ પર લાંગરશે.

પુરવઠામાં થશે મોટો વધારો

દેશમાં રાંધણ ગેસની વધતી જતી માંગ વચ્ચે આટલો મોટો જથ્થો આવવાથી ગેસ વિતરણ વ્યવસ્થામાં ગતિ આવશે. ખાસ કરીને ઉદ્યોગો અને ઘરેલું વપરાશકારો માટે ગેસની અછત જેવી સ્થિતિ નિવારી શકાશે. અદાણી મુંદ્રા પોર્ટ પર આ ગેસને સુરક્ષિત રીતે સ્ટોરેજ ટાંકીઓમાં ખસેડવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.


આ પણ વાંચો---    Ahmedabad : બાવળાના દુર્ગી ગામે દારૂની રેડ પાડવા ગયેલી પોલીસ પર ટોળાનો હુમલો, 100થી વધુ લોકો સામે ગુનો દાખલ