દોશીવાડાની પોળ માતાવાલો ખાંચો વિસ્તારમાં છ માસથી પાણી આવતુ નથી અને કોર્પોરેશન દ્વારા પાણી માટે ખાડા પાડયાને પાંચ મહિના જેટલો સમય વિતી ગયો હોવા છતા હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી. માતાવાળા ખાંચામાં રહેતા લોકો છેલ્લા ઘણા સમયથી પરેશાન છે. પીવાનું શુધ્ધ પાણી અને ખાડાનું નિરાકરણ તાકીદે આવે તે માટે સત્તાવાળાઓ દ્વારા કાર્યવાહી કરવા માટે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે.
સ્થાનિકોનું કહેવું છે કે માતાવાલો ખાંચામાં છેલ્લા છ મહિનાથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ઉનાળાની આકરા તાપ વચ્ચે પણ સ્થાનિક રહીશો ટીપાં-ટીપાં પાણી માટે વલખાં મારી રહ્યા છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વધુમાં સ્થાનિકોએ કહ્યું કે છેલ્લા અડધા વર્ષથી આ વિસ્તારમાં પાણી ખૂબ જ ઓછા ફોર્સથી અથવા તો દૂષિત આવી રહ્યું છે. ઘણીવાર તો દિવસો સુધી પાણી દર્શન પણ આપતું નથી. ઘરવપરાશ અને પીવાના પાણી માટે લોકોને ખાનગી ટેન્કરો પર આધાર રાખવો પડે છે અથવા દૂર-દૂર સુધી પાણી ભરવા જવું પડે છે. આશરે થોડા સમય પહેલાં તંત્ર દ્વારા પાણીની લાઈન ચેક કરવાના બહાને રસ્તાની વચ્ચે એક મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, સમસ્યા તો હલ ન થઈ, પણ એ ખોદાયેલો ખાડો એમ જ ખુલ્લો છોડી દેવામાં આવ્યો છે.










