શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઇસનપુરમાં રોજે રોજ સર્જાતો ટ્રાફ્કિ જામ હવે સ્થાનિક રહીશો અને વાહનચાલકો માટે કાયમી માથાનો દુખાવો બની ગયો છે. ઇસનપુરના મુખ્ય માર્ગો અને ચાર રસ્તાઓ પર ગેરકાયદેસર રીતે ખડકાઈ જતી શાકભાજીની લારીઓના દબાણને કારણે પીકઅવર્સ દરમિયાન કિલોમીટરો લાંબો ટ્રાફ્કિ જામ સર્જાય છે.
સ્થાનિકોનું કહેવું છે કે ઇસનપુર ચાર રસ્તાથી લઈને આસપાસના રહેણાંક વિસ્તારોને જોડતા મુખ્ય રોડ પર સવારથી જ શાકભાજી અને ફ્રૂટની લારીઓ લાઇનસર ગોઠવાઈ જાય છે. આ લારીવાળાઓ રોડનો અડધોઅડધ ભાગ રોકી લે છે. તેના પરથી પસાર થતા ગ્રાહકો પણ પોતાના વાહનો રસ્તાની વચ્ચે જ પાર્ક કરીને ખરીદી કરવા ઉભા રહી જાય છે, જેને કારણે માત્ર બે મિનિટનો રસ્તો પસાર કરવામાં વાહનચાલકોને અડધો કલાક જેટલો સમય વેડફ્વો પડે છે. મહત્વનું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ હટાવો ઝુંબેશ માત્ર કાગળ પર કે ટૂંકા ગાળાની સાબિત થઈ રહી હોય તેમ દેખાય છે. જ્યારે પણ કોર્પોરેશનની ગાડી આવે ત્યારે લારીવાળાઓ ગલીઓમાં ગાયબ થઈ જાય છે અને ગાડી જતાની સાથે જ પુનઃ રસ્તા પર અડિંગો જમાવી દે છે. તંત્ર દ્વારા આ મામલે કોઈ નક્કર કે કાયમી આયોજન ન કરાતું હોવાથી દબાણ કરનારા બેફામ બન્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે દબાણને લઈને ரસ્તો સાંકડો થવાને કારણે વાહનો એકબીજા સાથે ભટકાવાના અને રાહદારીઓ કચડાવવાના બનાવો વધી રહ્યા છે.










