અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા એક અત્યંત પ્રભાવશાળી અને દિવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાની સ્થાપનાના 60 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાઈ રહેલા આ 'હિરક જયંતિ મહોત્સવ'માં આધ્યાત્મિકતા અને શાંતિનો અદભૂત સંગમ જોવા મળશે.
60 હજાર લોકો એકસાથે કરશે મેડિટેશન
આ સમારોહની સૌથી મોટી વિશેષતા એ છે કે 'વિશ્વ ધ્યાન દિવસ'ના અવસરે અંદાજે 60 હજાર મહિલાઓ અને પુરુષો એકસાથે મળીને વિશ્વ શાંતિ માટે મેડિટેશન (ધ્યાન) કરશે. શ્વેત વસ્ત્રોમાં સજ્જ બ્રહ્માકુમારીના ભાઈ-બહેનો શાંતિદૂત બનીને એક જ લક્ષ્ય સાથે "ઓમ" ના પવિત્ર નાદ સાથે સામૂહિક ધ્યાન ધરશે, જે વાતાવરણમાં દિવ્યતા પ્રસરાવશે.
સપ્તરંગી થીમ અને સાંસ્કૃતિક સંગમ
સમારોહને વધુ આકર્ષક બનાવવા માટે સપ્તરંગી થીમ રાખવામાં આવી છે. જેમાં ગીત, સંગીત અને નૃત્ય દ્વારા આધ્યાત્મિક સંદેશ આપવામાં આવશે.જાણીતા કલાકારો દ્વારા ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક કલાકૃતિઓની પ્રસ્તુતિ કરવામાં આવશે.કલા અને સંસ્કૃતિના સંગમ દ્વારા જીવનમાં શાંતિ અને સકારાત્મકતા લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
હિરક જયંતિ મહોત્સવ, 60 વર્ષની આધ્યાત્મિક સફર
બ્રહ્માકુમારી સંસ્થા છેલ્લા 60 વર્ષથી વિશ્વના ખૂણે-ખૂણે શાંતિ અને મનની શુદ્ધિનો સંદેશ પહોંચાડી રહી છે. આ હિરક જયંતિ મહોત્સવ એ માત્ર એક ઉજવણી નથી, પરંતુ સમગ્ર વિશ્વને એકતા અને શાંતિના સૂત્રમાં બાંધવાનું એક મોટું પગલું છે.
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ