અમદાવાદના ઐતિહાસિક જમાલપુર વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીના મંદિરમાં અષાઢી બીજના પાવન પર્વે યોજાનારી ભવ્ય રથયાત્રાની તૈયારીઓ હવે અંતિમ ચરણમાં છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શનાર્થે ઉમટી પડતા હોય છે, ત્યારે તેમના માટે વિશેષ મહાપ્રસાદ તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. વર્ષો જૂની પરંપરા અનુસાર, ભગવાન જગન્નાથજીને અતિ પ્રિય એવા સ્વાદિષ્ટ માલપુઆનો પ્રસાદ દર વર્ષે મોટી માત્રામાં બનાવવામાં આવે છે.
