અમદાવાદના મોટેરા વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા ઓચિંતું ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવતા સેંકડો લોકો બેઘર બન્યા છે. તંત્રના બુલડોઝરોએ વર્ષો જૂના મકાનો પળભરમાં તોડી પાડ્યા હતા. આ ડિમોલિશન દરમિયાન સ્થાનિક લોકોમાં ભારે વિલાપ જોવા મળ્યો હતો. રડતી આંખોએ લોકોએ પોતાના સપનાના ઘરને તૂટતા જોયા હતા. આ ઓપરેશન બાદ સૌથી મોટી અને ગંભીર સમસ્યા એ સામે આવી છે કે તંત્ર દ્વારા આ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે રહેવાની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નહોતી, જેના કારણે નાના બાળકો અને વડીલો સાથે આખો પરિવાર રસ્તા પર આવી ગયો છે.

શિક્ષણના અધિકાર પર બુલડોઝર ફર્યું

આ ડિમોલિશન માત્ર ઘર જ નથી તોડ્યા, પરંતુ માસૂમ બાળકોના ભવિષ્ય પર પણ મોટો સવાલ ઊભો કરી દીધો છે. વેકેશન પૂર્ણ થવા પર છે અને ટૂંક સમયમાં જ શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે જ આ અણધાર્યા ડિમોલિશનના કારણે બાળકોના પુસ્તકો, યુનિફોર્મ અને સ્કૂલ બેગ ઘરના કાટમાળમાં દટાયા છે. એક પ્રભાવિત વિદ્યાર્થીએ રડતા રડતા પોતાની વેદના ઠાલવતા કહ્યું કે, "થોડા દિવસોમાં સ્કૂલ શરૂ થઈ જશે, પણ હું શાળાએ જઈ શકીશ નહીં, કારણ કે મારી પાસે હવે ન તો ચોપડા બચ્યા છે ન તો કપડાં." સ્થાનિક અહેવાલો મુજબ, આ એક જ વિસ્તારના ૩૦થી વધુ બાળકોનું શિક્ષણ અધવચ્ચે અટકી પડે તેવી આશંકા સેવાઈ રહી છે.

"અમને રોટલો અને ઓટલો બંને આપો" - લોકો

અત્યારે મોટેરાના રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન અને આક્રોશનો માહોલ છે. ઘર ગુમાવનારા પરિવારો રોડ પર જ અડિંગો જમાવીને બેઠા છે અને તંત્ર સામે આકરા સવાલો કરી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે વહીવટી તંત્રએ માનવીય અભિગમ રાખવો જોઈતો હતો. જ્યાં સુધી વૈકલ્પિક રહેણાંક કે આવાસ ન ફાળવાય ત્યાં સુધી આ રીતે બેઘર કરવા તે અન્યાય છે. પરિવારોની તંત્ર સમક્ષ હવે એક જ માંગ છે કે, કાં તો તેમને પાકા મકાન આપવામાં આવે અથવા તુરંત રહેવા-જમવાની સરકારી વ્યવસ્થા ઊભી કરવામાં આવે. જો તંત્ર દ્વારા વહેલી તકે પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનવાના સંકેતો દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચો: Surat: ઇટીપી પ્લાન્ટની સફાઈ કરતાં ગેસ ગળતરના કારણે 4 વ્યક્તિઓ ગૂંગળાયા, સ્મીમેર હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યા