વટવા જીઆઇડીસીમાં ફેઝ 2માં મોડી રાત્રે કેમિકલની કંપનીમાં આગ લાગતા અફરાતફરી જોવા મળી હતી. કંપનીમાં કાચુ ઓઇલ અને અલગ અલગ કેમિકલો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગના ધૂમાડા ત્રણ કિલોમિટર દૂર સુધી જોવા મળ્યા હતા. ફાયરબ્રિગ્રેડે મેજર કોલ જાહેર કરીને 22 ગાડીઓએ ઘટના સ્થળે પહોચીને પાણી તેમજ ફેમનો મારો ચલાવી આગને ચાર કલાકે કાબૂમાં લીધી હતી. આગની ઘટનામાં કોઇ જાનહાનિ સામે આવી નથી.


વટવા જીઆઇડીસીમાં ફેઝ-2માં આવેલ અર્પણ એરોનોટિકલ કેમિકલ કંપનીમાં શનિવારે રાત્રે 1.30 વાગ્યે અચાનક આગ લાગી હતી. ત્યારે કંપનીમાં કાચુ ઓઇલ, અલગ અલગ પ્રકારના કેમિકલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. તેને લઇને આખી કંપની આગની ઝપેટમાં આવી ગઇ હતી. જ્યારે આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. ફાયરબ્રિગ્રેડને જાણ કરતા ફાયરે મેજર કોલ જાહેર કર્યો હતો. જેથી ફાયરની 22 ગાડીઓએ ઘટના સ્થળે પહોચીને અલગ અલગ ટીમો બનાવીને ચાર કલાક સુધી 3 લાખ લિટર પાણી અને ફેમનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલમાં કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે. ઘટનાને લઇને રસ્તો પણ બંધ કરવાની ફરજ પડી હતી. તેમજ આસપાસના વિસ્તારમાં ગરમીમાં વધારો થયો હતો. આગ એટલી વિકરાળ હતી કે આસપાસની ફેકટરીમાં પણ સામાન્ય નુકસાન થયુ હોવાનું સામે આવ્યુ છે. જો કે કયા કારણોસર આગ લાગી તેનું ચોક્કસ કારણ સામે આવ્યુ નથી. તે જાણવા એફ્એસએલ સહિતની ટીમોએ ઘટના સ્થળે પહોચીને તપાસ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: