અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ટીંબા ગામ પાસે આવેલી 'યુનાઈટેડ પોલીફેબ ગુજરાત લિમિટેડ' નામની કંપનીમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. પ્લાસ્ટિકના જથ્થાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
વિકરાળ આગ અને ફાયર બ્રિગેડની કામગીરી
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો કાફલો હરકતમાં આવ્યો હતો. આગ એટલી ભીષણ હતી કે તેને કાબૂમાં લેવા માટે અમદાવાદ, નડિયાદ, ધોળકા અને બારેજા ફાયર સ્ટેશનથી કુલ 15 જેટલા ફાયર ફાઈટરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પ્લાસ્ટિકનું ગોડાઉન હોવાથી ધુમાડાના ગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા.










