ભારતનું એવિએશન (ઉડ્ડયન) ક્ષેત્ર હાલમાં ઝડપી વિકાસના નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે. એરલાઈન્સ દ્વારા ૧,૦૦૦થી વધુ નવા વિમાનોના ઓર્ડર તેમજ કેન્દ્ર સરકારની 'ઉડાન' (UDAN) યોજના હેઠળ દેશભરમાં ૨૦૦થી વધુ એરપોર્ટ્સના વિકાસને કારણે ઉડ્ડયન ક્ષેત્રમાં કુશળ માનવબળની માંગ નોંધપાત્ર રીતે વધી રહી છે. નિષ્ણાતોના અંદાજ મુજબ વર્ષ ૨૦૨૮ સુધીમાં આ ક્ષેત્રમાં અંદાજે ૧.૫ લાખથી વધુ નવી રોજગારીની તકો ઊભી થઈ શકે છે, જેના કારણે શિક્ષણ ક્ષેત્રમાં પણ એવિએશન સંબંધિત અભ્યાસક્રમો પ્રત્યે વિદ્યાર્થીઓનો રસ વધ્યો છે.
એવિએશન ઉદ્યોગની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક સંસ્થાઓ હવે પરંપરાગત અભ્યાસક્રમોની સાથે ઉદ્યોગલક્ષી અને કૌશલ્ય આધારિત કોર્સ શરૂ કરી રહી છે. અગાઉ એવિએશન ક્ષેત્ર મુખ્યત્વે સાયન્સના વિદ્યાર્થીઓ માટે મર્યાદિત માનવામાં આવતું હતું. હવે કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે પણ એવિએશન મેનેજમેન્ટ, એરપોર્ટ ઓપરેશન્સ અને હોસ્પિટાલિટી જેવા વિશેષ અભ્યાસક્રમો ઉપલબ્ધ બન્યા છે. હાલમાં પુસ્તકીય જ્ઞાન ઉપરાંત મોક કેબિન, કમ્યુનિકેશન સ્કિલ્સ, ગ્રાહક સેવા, ઇન્ટરવ્યૂ તૈયારી અને વર્ચ્યુઅલ રિયાલિટી (VR) જેવી આધુનિક ટેક્નોલોજી દ્વારા પ્રાયોગિક તાલીમ આપવામાં આવી રહી છે.










