અમદાવાદ શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યાને ઉકેલવા માટે શહેર પોલીસ કમિશનરે તાજેતરમાં એક મહત્વનો આદેશ આપ્યો હતો, જેમાં પિક અવર્સ દરમિયાન ટ્રાફિક જામ થતો હોય તેવા પોઈન્ટ્સ પર PI અને ACP કક્ષાના અધિકારીઓને હાજર રહી નિયમન કરવા જણાવાયું હતું. જોકે, સંદેશ ન્યૂઝ દ્વારા વસ્ત્રાપુર અને એસ.જી. હાઈવે વિસ્તારમાં કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં કમિશનરના આ આદેશના સરેઆમ ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. વૈષ્ણોદેવી ક્રોસ રોડ અને કર્ણાવતી ક્લબ સર્કલ જેવા વ્યસ્ત વિસ્તારોમાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી, પરંતુ ત્યાં ટ્રાફિકના નિયમન માટે માત્ર કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીઓ જ હાજર હતા, જ્યારે જવાબદાર PI કે ACP કક્ષાના અધિકારીઓ ક્યાંય નજરે પડ્યા નહોતા.
ખાખીની ખુલ્લી અવગણના
એસ.જી. હાઈવે પર ટ્રાફિકમાં ફસાયેલા નાગરિકોએ સંદેશ ન્યૂઝ સમક્ષ પોતાનો રોષ ઠાલવતા કબૂલાત કરી હતી કે તેઓ દરરોજ 15 મિનિટથી લઈને 1 કલાક સુધી જામમાં ફસાયેલા રહે છે. પોલીસ કમિશનરે સ્પષ્ટ સૂચના આપી હતી કે એસજી-1 અને એસજી-2 ટ્રાફિક પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓએ ગ્રાઉન્ડ પર હાજર રહેવું, છતાં અધિકારીઓની આ ગેરહાજરી અનેક સવાલો ઉભા કરે છે. કમિશનરના આદેશને અવગણીને એરકન્ડિશન્ડ ઓફિસોમાં બેસી રહેતા અધિકારીઓની લાપરવાહીને કારણે હજારો વાહનચાલકો કિંમતી સમય અને ઈંધણનો બગાડ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ રિયાલિટી ચેક બાદ બેદરકાર અધિકારીઓ સામે કોઈ કડક પગલાં લેવામાં આવે છે કે કેમ.













