તિરુપતિના પવિત્ર ધામમાં ચાલી રહેલી રામકથા દરમિયાન સુપ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓ અંગે અત્યંત દુઃખ અને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. બાપુએ વણસી રહેલી પરિસ્થિતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, હિન્દુ હોવું એ કોઈ ગુનો નથી.


તિરુપતિની વ્યાસપીઠ પરથી બાપુની વેદના

મોરારીબાપુએ મંગળવારે કથા દરમિયાન બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમાજની વર્તમાન સ્થિતિ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, ત્યાં વસતા હિન્દુઓ અત્યંત પીડા અને નુકસાન વેઠી રહ્યા છે. તેમણે કહ્યું કે, “બાંગ્લાદેશમાં પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. હિન્દુઓની આ પીડાને હવે વધુ સમય સુધી અવગણી શકાય તેમ નથી.”

'હિન્દુ હોવાનો વાંક શું છે?'

બાપુએ વિશ્વભરના હિન્દુઓની લાગણીઓને વાચા આપતા પ્રશ્ન કર્યો હતો કે, “મને સમજાતું નથી કે હિન્દુઓનો વાંક શું છે? હિન્દુ હોવાને કોઈ ગુનો કેમ ગણવામાં આવી રહ્યો છે?” તેમણે હિન્દુ સંસ્કૃતિના મૂલ્યો સમજાવતા ઉમેર્યું કે, હિન્દુ ઓળખ એ નમ્રતા અને વિશાળતાનું પ્રતીક છે. હિન્દુ માત્ર ધર્મ નથી, પણ તે ‘સિંધુ’ છે—સમુદ્ર જેવો વિશાળ અને અનંત, જે સૌને સમાવી લે છે.

સમાજ અને સરકારને હાકલ

આ મુદ્દે મોરારીબાપુએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવત દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે માત્ર ભારત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના હિન્દુ સમાજ, વિવિધ સંસ્થાઓ અને સરકારોને આ ગંભીર મુદ્દે તાત્કાલિક અને નક્કર પગલાં લેવા વિનંતી કરી છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: