જૈન ધર્મના મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણનો શુભારંભ થયો છે. પુણ્યનું પોષણ અને પાપનું શોષણ કરતું આ પર્વ આઠ દિવસનું હોય છે. પર્યુષણ શબ્દમાં 'પરિ' એટલે ચારેય બાજુથી સારી રીતે અને 'ઉષણ' એટલે કે આરાધના તથા આત્મશુદ્ધિ માટે એક સાથે રહેવું. પર્યુષણનો સંદેશ આત્માની નજીક રહેવાનો અને જગતભરના જીવો સાથે મૈત્રી સાધવાનો છે. પર્યુષણમાં જૈનો તપ, જપ અને પૌષધ આદરે છે તેમજ આઠેય દિવસ અહિંસાનું ચુસ્તપણે પાલન કરે છે. પર્યુષણ દરમિયાન મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ સવાર-સાંજ પ્રતિક્રમણ કરતા હોય છે. પુણ્યનું પોષણ અને આત્મશુદ્ધિનું આ પર્વ જિનશાસનની અત્યંત ભવ્ય પરંપરા છે.
પ્રથમ ત્રણ દિવસ 'અષ્ટાન્હિકા' ગ્રંથ પર પ્રવચનો થાય છે, જેમાં શ્રાાવકના પર્યુષણના પાંચ કર્તવ્ય, વાર્ષિક 11 કર્તવ્ય અને પૌષધ વ્રત પર વિવેચન કરવામાં આવે છે. ચોથા દિવસથી કલ્પસૂત્રના વાંચનનો પ્રારંભ થાય છે. સળંગ ચાર દિવસ સવાર-સાંજ મળી કુલ 8 વ્યાખ્યાનો દ્વારા કલ્પસૂત્રનું વાંચન પૂર્ણ થાય છે, જેમાં સાધુ ભગવંતોના આચારો તથા ભગવાન મહાવીર સ્વામીનું વિસ્તૃત જીવન ચરિત્ર સમજાવવામાં આવે છે. પાંચમા દિવસે તા. 12 સપ્ટેમ્બરે પ્રભુ મહાવીર સ્વામીના જન્મવાંચનનો મહોત્સવ ઉજવાય છે. પ્રભુજીની માતા ત્રિશલા દેવીને આવેલાં ચૌદ મહાસ્વપ્નોનાં દર્શન સકળ સંઘને કરાવવામાં આવે છે અને પ્રભુજીને પારણે ઝુલાવવામાં આવે છે.
આઠ દિવસના આ મહાપર્વમાં પ્રથમ સાત દિવસ આરાધનાના છે, જ્યારે આઠમો દિવસ સિદ્ધિનો એટલે કે ક્ષમારૂપી ધર્મની સિદ્ધિનો છે. આઠમા દિવસે સમગ્ર કલ્પસૂત્ર-બારસાસૂત્રના મૂળપાઠનું મંત્રતુલ્ય શ્રાવણ જૈનો પૂર્ણ શ્રાદ્ધાપૂર્વક કરે છે. ત્યારબાદ સંવત્સરી પ્રતિક્રમણ થાય છે. પ્રત્યેક જૈન પોતાના મન, વચન અને કાયાથી કોઈ જીવ કે વ્યક્તિનું મન દુભાવ્યું હોય તો 'મિચ્છામિ દુક્કડં' કહી હૃદયપૂર્વક ક્ષમાયાચના કરે છે, જ્યારે સામા પક્ષે કોઈ ભૂલનો એકરાર કરી ક્ષમા માંગે તો તેને પ્રેમપૂર્વક સ્વીકારી ક્ષમા આપે છે.
પર્યુષણ અંગે વધુ માહિતી આપતાં જૈન યુવક મહાસંઘના ભદ્રેશ શાહે જણાવ્યું કે આ વર્ષે પર્યુષણ પર્વનો અનેરો ઉત્સાહ રાજનગરમાં વર્તાઈ રહ્યો છે. 260થી વધારે જૈન સંઘોમાં આ વર્ષે તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજ, ગચ્છાધિપતિ આચાર્ય નરદેવસાગરસૂરીશ્વરજી, ગચ્છાધિપતિ આચાર્ય નરરત્નસૂરીશ્વરજી, ગચ્છાધિપતિ આચાર્ય કુલચંદ્રસૂરીશ્વરજી, ગચ્છાધિપતિ ડૉ. આચાર્ય હેમચંદ્રસૂરીશ્વરજી તથા 45થી વધુ પ્રભાવક જૈનાચાર્યો અને 1200થી અધિક સાધુ-સાધ્વીજી ભગવંતોની પાવનકારી નિશ્રા મળી રહી છે. પ્રત્યેક સંઘમાં ભાવિકો અઠ્ઠાઈ (8 ઉપવાસ), 16 ઉપવાસ, સિદ્ધિતપ અને માસક્ષમણ (30 ઉપવાસ) જેવી કઠોર તપશ્ચર્યાઓ મોટા પાયે કરી રહ્યા છે. બાર-બાર મહિનાથી વેર-ઝેર, રાગ-દ્વેષ, ઈર્ષ્યા અને નિંદાના કાદવથી ખરડાયેલા આત્માને પર્વાધિરાજ પર્વની આરાધના શુદ્ધ-બુદ્ધ બનાવે છે. સારી રીતે અને સાચી રીતે આરાધેલા આ પર્વને ભગવાન મહાવીરે અતિ મહાન ગણાવ્યું છે. ઉપમા આપતાં શાસ્ત્ર્રોમાં કહેવાયું છેઃ 'નમસ્કારમાં જેમ નવકાર મંત્ર મોટો છે, તીર્થોમાં જેમ શત્રુંજય મહાતીર્થ મોટું છે, દાનમાં અભયદાન મહાન છે, ધ્યાનમાં શુક્લધ્યાન ઉત્તમ છે, રત્નોમાં ચિંતામણિ રત્ન શ્રોષ્ઠ છે, તેમ તમામ પર્વોમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વ સર્વોપરી છે.'
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો