અમદાવાદના સૌથી પોશ ગણાતા સિંધુ ભવન રોડ પર ધોળે દિવસે બિલ્ડરના ઘરમાં લૂંટની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. જાણીતા બિલ્ડર નરેશભાઈ પટેલના 'પટેલ હાઉસ' બંગલામાં ચાર અજાણ્યા બુકાનીધારી શખ્સો કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકીને ઘૂસી ગયા હતા. આ શખ્સોએ પરિવારના સભ્યોને છરીની અણીએ બંધક બનાવી, જીવથી મારી નાખવાની ધમકી આપીને આતંક મચાવ્યો હતો. લૂંટારુઓ બિલ્ડરના ઘરમાંથી રૂ. 1.25 લાખની રોકડ રકમની લૂંટ ચલાવીને પળવારમાં ફરાર થઈ ગયા હતા.

પોલીસે તપાસ હાથ ધરી

આ હિંસક લૂંટની જાણ થતા જ સરખેજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. બિલ્ડર નરેશભાઈ પટેલે પોતાની ફરિયાદમાં ઘરઘાટી પર આશંકા વ્યક્ત કરી છે, જેને પગલે પોલીસે ઘરના નોકરો અને ભૂતકાળમાં કામ કરી ચૂકેલા શખ્સોની પૂછપરછ શરૂ કરી છે. સિંધુ ભવન રોડ જેવા વીઆઈપી વિસ્તારમાં સીસીટીવી કેમેરા અને સિક્યોરિટી હોવા છતાં લૂંટારુઓ જે રીતે આસાનીથી લૂંટ ચલાવી ગયા, તે જોતા પોલીસ હવે આસપાસના ફૂટેજ તપાસી રહી છે જેથી આરોપીઓના રૂટની માહિતી મેળવી શકાય.