અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફરિ એકવાર સોનાની દાણચોરીનું મોટું નેટવર્ક કસ્ટમ વિભાગે પકડી પાડયું છે. દુબઈથી સવારે 9:20 વાગ્યે અમદાવાદ આવેલી ઇન્ડિગોની ફ્લાઈટ (6E-1478)માંથી કસ્ટમ વિભાગ અને એરક્રાફ્ટના એન્જિનિયરોએ સંયુક્ત તપાસ કરીને, એરક્રાફ્ટના 'નો સ્મોકિંગ લેવેન્ટરી એરિયા'ની અંદર લગાવેલા સ્પીકરની પાછળ છુપાવેલું 2 કિલો 799 ગ્રામ સોનું જપ્ત કર્યું છે. પ્યોર 999.24 કેરેટના આ 24 ગોલ્ડ બિસ્કીટની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે 4.27 કરોડ અંકાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફ્લાઈટ લેન્ડ થયા બાદ તમામ પેસેન્જર્સ બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ બાતમીના આધારે એન્જિનિયરોની મદદથી વોશરૂમના સ્પીકર બોક્સને ખોલતા તેની પાછળ બ્લેક પોલીથીનમાં સંતાડેલા 24 ગોલ્ડ બિસ્કીટ મળ્યા હતા. કસ્ટમ વિભાગે આ બિનવારસી સોનું જપ્ત કરી કાનૂની તપાસ શરૂ કરી છે. કસ્ટમનું માનવું છે કે કેરાલાની સ્મગલિંગ ગેંગ આ પ્રકારે એરક્રાફ્ટની અંદર સોનું છુપાવીને દાણચોરી કરવામાં માહિર છે. તપાસમાં બહાર આવ્યું છે કે અમદાવાદ-દુબઈ ફ્લાઈટનું દુબઈમાં રાત્રિ રોકાણ હોય છે. આથી રાત્રિ દરમિયાન જ કોઈ જાણભેદૂ કર્મચારી અથવા વ્યક્તિએ રીસેક્શનના સ્પીકર બોક્સની પાછળ આ સોનું સેટ કરી દીધું હતું.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: