અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા નિકોલમાં આજે એક લક્ઝુરિયસ BMW કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. નિકોલના ભક્તિનગર બસ સ્ટેશન પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી BMW કારે માર્ગ પરથી પસાર થઈ રહેલી એક રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે, કાર રિક્ષાને ફંગોળીને સીધી બસ સ્ટેન્ડના સ્ટ્રક્ચરમાં ઘૂસી ગઈ હતી.
BMW કારના કુરઝેકુરઝા બોલી ગયા
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, BMW કારની ગતિ ખૂબ જ વધારે હતી. રિક્ષા સાથેની ટક્કર બાદ કાર બસ સ્ટેન્ડમાં ધડાકાભેર અથડાતા બસ સ્ટેન્ડના લોખંડના એન્ગલો અને પતરાં વળી ગયા હતા, જ્યારે કારના આગળના ભાગનો પણ કુરઝેકુરઝા બોલી ગયા હતા. સદનસીબે જે સમયે કાર બસ સ્ટેન્ડમાં ઘૂસી ત્યારે ત્યાં મુસાફરોની સંખ્યા ઓછી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.
ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
આ અકસ્માતમાં રિક્ષામાં સવાર મુસાફરો અને કાર ચાલકને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ મોકલવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.
પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર ચાલક નશામાં હતો કે, કેમ અથવા ગાડીમાં કોઈ યાંત્રિક ખામી સર્જાઈ હતી તે દિશામાં તપાસ શરૂ કરી છે. પૂર્વ અમદાવાદના રહેણાંક વિસ્તારોમાં મોંઘીદાટ કારોના ચાલકો દ્વારા કરવામાં આવતા સ્ટંટ અને સ્પીડિંગ સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો - Local Body Elections 2026: મેઘરજમાં કોંગ્રેસને મોટો ઝટકો, પંચાલ જિલ્લા પંચાયતના 25થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા