અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનોના વધતા ત્રાસ અને કરડવાના કિસ્સાઓને રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના CNCD વિભાગે એક કડક નિર્ણય લીધો છે. હવેથી શહેરના રોડ-રસ્તા કે જાહેર સ્થળો પર શ્વાન કે અન્ય પશુઓને ખોરાક નાખી શકાશે નહીં. AMC દ્વારા શહેરના તમામ 7 ઝોનમાં મળીને કુલ 100 જેટલા ચોક્કસ 'ડૉગ ફીડિંગ સ્પોટ' નક્કી કરવામાં આવ્યા છે. તંત્રનો ઉદ્દેશ્ય છે કે જાહેરમાં ખોરાક નાખવાને કારણે શ્વાનોના ટોળા એકઠા ન થાય અને રાહદારીઓ કે વાહનચાલકોને કોઈ જોખમ ન રહે.
જાહેરમાં ખવડાવ્યું તો ખેર નથી
CNCD વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા લિસ્ટ મુજબ, હવે પશુ પ્રેમીઓએ માત્ર નક્કી કરેલા સ્થળોએ જઈને જ શ્વાનને ખોરાક આપવાનો રહેશે. જો કોઈ વ્યક્તિ આ નિયમનું ઉલ્લંઘન કરી જાહેર માર્ગો કે રહેણાંક વિસ્તારોના નાકા પર ખોરાક નાખતા ઝડપાશે, તો તેની સામે વહીવટી તંત્ર દ્વારા કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આ નિર્ણયથી શહેરના જાહેર રસ્તાઓ પર ગંદકી ઘટશે અને શ્વાન દ્વારા થતા હુમલાઓના પ્રમાણમાં પણ ઘટાડો થશે તેવી કોર્પોરેશનને આશા છે.













