અમદાવાદીઓ માટે ટ્રાફિકના નિયમો તોડવા એ જાણે ડાબા હાથનો ખેલ હોય તેમ બેફામ વાહન હંકારતા જોવા મળે છે. ટ્રાફિકની આ ગંભીર સમસ્યા અને અકસ્માતો ઘટાડવા માટે આજે નેશનલ સર્વિસ સ્કીમ (NSS) દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે ટ્રાફિક જાગૃતિનો એક વિશિષ્ટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ યમરાજનો વેશ ધારણ કરી નિયમોનું ઉલ્લંઘન કરતા લોકોને 'મોતનો ડર' બતાવી જાગૃત કર્યા હતા.
પ્લે-કાર્ડ અને યમરાજ દ્વારા જાગૃતિ
ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસ અને આસપાસના રસ્તાઓ પર NSSના વિદ્યાર્થીઓ વિવિધ સ્લોગન લખેલા પ્લે-કાર્ડ સાથે ઉતરી આવ્યા હતા. 'હેલ્મેટ પહેરો, સુરક્ષિત રહો' અને 'ટ્રાફિક નિયમોનું પાલન કરો' જેવા સંદેશાઓ સાથે વિદ્યાર્થીઓએ વાહનચાલકોને અટકાવ્યા હતા. આ અભિયાનનું મુખ્ય આકર્ષણ 'યમરાજ' બનેલો વિદ્યાર્થી હતો, જેણે હેલ્મેટ વગરના અને ટ્રાફિક સિગ્નલ તોડતા ચાલકોને રોકીને સમજાવ્યું હતું કે, નિયમ તોડશો તો મારે લેવા આવવું પડશે.













