સ્માર્ટ સિટી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ઓઢવના અંબિકાનગરમાં સ્થાનિક સત્તાધીશોની ઘોર બેદરકારી સામે આવી છે. અંબિકાનગર વિસ્તારમાં આવેલા વ્યસ્ત આપા હોટલ ચાર રસ્તા પાસે છેલ્લા એક મહિનાથી ગટરની મુખ્ય ચેમ્બર ખુલ્લી હાલતમાં પડી છે. ચોમાસાની આ સિઝનમાં આ ખુલ્લી ચેમ્બર ગમે ત્યારે કોઈ નિર્દોષ વાહનચાલક કે રાહદારી માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ છે. મહત્વનું છે કે આપા હોટલ ચાર રસ્તા એ આસપાસના સોસાયટી વિસ્તારોને જોડતો મુખ્ય માર્ગ છે, જ્યાંથી દિવસ-રાત હજારો વાહનો અને રાહદારીઓ પસાર થાય છે. સ્થાનિકોનું કહેવું છે કે અહીં રાત્રિના સમયે અંધારામાં આ ખુલ્લી ગટર દેખાતી નથી, જેના કારણે અત્યાર સુધીમાં કેટલાય દ્વિચક્રી વાહનચાલકો અહીં ખાબકતા બચ્યા છે અને નાની-મોટી દૂર્ઘટનાઓ રોજબરોજ બને છે. સાથે જ ગટર ખુલ્લી હોવાને કારણે આસપાસના વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે, જેનાથી સ્થાનિક દુકાનદારો અને રહીશોનું જીવવું મુશ્કેલ બન્યું છે. સ્થાનિક લોકો દ્વારા આ અંગે તંત્રને મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, એક મહિનાથી આ બાબતે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.
