અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દ્વારા સતત સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે છે, જે દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દુબઈથી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં આવેલા એક ભારતીય મુસાફરની શંકાસ્પદ હિલચાલને આધારે તપાસ કરતા તેની પાસેથી કરોડોની કિંમતની નજીકનું સોનું મળી આવ્યું છે.
દાણચોરીની અનોખી મોડસ ઓપરેન્ડી
મુસાફરે કસ્ટમની નજરમાંથી બચવા માટે સોનું છુપાવવાની અલગ-અલગ રીતો અપનાવી હતી.મુસાફરે તેના સામાન (બેગેજ) માં ખાસ રીતે ખાંચા બનાવીને 2 ગોલ્ડ બાર છુપાવ્યા હતા. કસ્ટમ અધિકારીઓએ મુસાફરની વ્યક્તિગત તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેણે બાકીનું સોનું પોતાના અંડરવેરની અંદર છુપાવ્યું હતું.
ગોલ્ડ બારની બજાર કિંમત અંદાજે રૂ. 96 લાખ જેટલી
કસ્ટમ વિભાગે મુસાફર પાસેથી જપ્ત કરેલા ગોલ્ડ બારની બજાર કિંમત અંદાજે રૂ. 96 લાખ જેટલી થાય છે. સોનાની શુદ્ધતા અને વજનની ખાતરી કર્યા બાદ કસ્ટમ એક્ટ હેઠળ આ જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે.પકડાયેલો મુસાફર આ સોનું કોના માટે લાવ્યો હતો અને આમાં અન્ય કોઈ ઈન્ટરનેશનલ ગેંગ સામેલ છે કે કેમ, તે દિશામાં કસ્ટમ વિભાગે વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે. એરપોર્ટ પર હાલ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે અને શંકાસ્પદ પેસેન્જરો પર સતત વોચ રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Upleta: ઢાંક ગામના રહીશોએ લીધો રાહતનો શ્વાસ, મેલડી માતાજીના મંદિર પાસે ખૂંખાર દીપડો પાંજરે પુરાયો