શહેરના પૂર્વ વિસ્તારના વિકાસ માટે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા ખારીકટ કેનાલના નવા રોડ પર પર્યાવરણને પ્રોત્સાહન આપવા માટે વાવવામાં આવેલા અનેક વૃક્ષોને અચાનક બહાર કાઢી લેવામાં આવતાં સ્થાનિક રહીશો અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે આશ્ચર્ય અને રોષની લાગણી વ્યાપી ગઈ છે. માત્ર એક મહિના પહેલા જ જ્યાં ધામધૂમથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, ત્યાં આજે જે રીતે લીલાછમ વૃક્ષો ઉખાડવામાં આવી રહ્યા છે, તે જોતા મ્યુનિસિપલ કોર્પોરેશનના આયોજન પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. ખારીકટ કેનાલ ઉપર તાજેતરમાં જ નવો અને આધુનિક રોડ બનાવવામાં આવ્યો છે. આ રોડની બંને બાજુએ અને ડિવાઇડરો પર શહેરને નંદનવન બનાવવાના અને ગ્રીનરી વધારવાના હેતુથી હજારોની સંખ્યામાં નાના-મોટા રોપાઓ વાવવામાં આવ્યા હતા. આ વૃક્ષોના રક્ષણ માટે લોખંડ અને પ્લાસ્ટિકના ગ્રીન કલરના ટ્રી-ગાર્ડ પણ લગાવવામાં આવ્યા હતા. પરંતુ આજે અચાનક જ મજૂરો દ્વારા આ વૃક્ષોને ટ્રી-ગાર્ડ સાથે જમીનમાંથી ખોદીને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્થાનિક રહીશોએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે એક તરફ્ ઉનાળામાં કાળઝાળ ગરમી અને વધતા પ્રદૂષણ વચ્ચે અમદાવાદને ગ્રીન સિટી બનાવવાની મોટી-મોટી વાતો થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે ચોમાસામાં લાખો વૃક્ષો વાવવાનો દાવો કરે છે. તો પછી આ નવા રોડ પર વાવેલા તંદુરસ્ત અને જીવંત વૃક્ષોને કયા કારણોસર આ રીતે અકાળે ઉખાડવામાં આવી રહ્યા છે? શું જનતાના ટેક્સના પૈસાનો આ રીતે સદુપયોગ થાય છે? એક સંસ્થાએ અને કોર્પોરેશને સાથે મળીને રોપ્યા હતા વૃક્ષો પર્યાવરણ કાર્યકરોનું કહેવું છે કે કોઈ પણ પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા કે વૃક્ષારોપણ કરતા પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગો વચ્ચે કોઈ પરસ્પર સંકલન હોતું નથી. એક વિભાગ આવીને લાખોના ખર્ચે વૃક્ષો વાવી જાય છે, અને તેના થોડા જ દિવસો બાદ બીજો વિભાગ કોઈ કેબલિંગ, ગેસ લાઈન, ડ્રેનેજ કે અન્ય કામગીરીનું બહાનું ધરીને આ વૃક્ષોને નષ્ટ કરી નાખે છે.
