અમદાવાદ : અમદાવાદમાં 12મી જૂન 2025ના રોજ એઆઈ- પ્લેન ક્રેશની દુર્ઘટનામાં 260 લોકોનાં મોત થયાં હતા. સિવિલ 1200 બેડ હોસ્પિટલ નજીકની બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલ બિલ્ડિંગ પર એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેક ઓફ થયાની ગણતરીની સેકન્ડોમાં જ ક્રેશ થઈ હતી. આ કમનસીબ દુર્ઘટનાને એક વર્ષ પૂરું થયું છે પરંતુ પીડિતોના મન-હૃદય પરના ઊંડા ઘા જાણે હજુ એવા ને એવા જ છે. પ્લેન ધડાકાભેર તૂટી પડયું તે ઘટનાને મેડિકલ સ્ટુન્ડ જયમીન શિલુએ નજરે નિહાળી હતી, મોત તેનાથી જાણે ત્રીસેક સેકન્ડ દૂર હતું. અલબત્ત, જયમીનને પોતાના સાથી મેડિકલ સ્ટુડન્ટ જયપ્રકાશને ગુમાવ્યાનો આજે પણ એટલો જ રંજ છે. |ઘટનાની પ્રથમ વરસી ટાણે ઘટના સ્થળે રડમસ આંખે જયમીને 'સંદેશ' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે હું ઘટનાસ્થળ નજીકની હોસ્ટેલમાં રહીને એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છું પરંતુ રાતે સૂતી વખતે પ્લેન પસાર થવાનો અવાજ આવે ત્યારે આજે પણ નીંદર ઊડી જાય છે, મૃતક મિત્રનો રોલ નંબર 86 આવે એટલે અચૂક તેની યાદ આવી જાય છે. ઘટના બની એ વખતે બે દિવસ સુધી ઊંઘ આવી નહોતી અને જમવાનું પણ લીધું ન હતું. પ્લેન ધડાકાભેર તૂટી પડયું ત્યારે પોતે મીત નામના મિત્ર સાથે ટુ-વ્હિલર પર સવાર હતા અને વાહન પરથી બંને જણ પટકાયા હતા, નજીવી ઈજા થવાને કારણે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લીધી હતી. |ઘટના બાદ તૂર્ત જ રાજકોટમાં પરિજનોને ફોન કરી પોતે સહી સલામત હોવાની જાણ કરી હતી. પ્લેન ક્રેશની હોનારતનો એ ઝખમ માનસપટલ પરથી આજે ય દૂર થવાનું નામ લેતો નથી. એ દિવસે ચારેકોર જાણે ચીસાચીસ, ધુમાડો અને સળગેલી લાશોના ઢગલા હતા. કહેવાય છે કે, કેટલાક ઝખમ સમય પસાર થવાની સાથે રૂઝાઈ જતાં હોય છે, આજે એક વર્ષનો સમય વહી ગયો, ઘા રૂઝાયા પણ મનના ઝખમો હજુ જાણે તાજા જ છે.

કેશોદમાં નદીના વહેણ રોકતા બાંધકામ નહીં હટે તો ચોમાસામાં જળબંબાકારની સ્થિતિ ઉભી થશે









