અમદાવાદના પોશ ગણાતા બોપલ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી બાથરૂમના નળ અને તેના પાર્ટ્સની ચોરીની ઘટનાઓ વધી રહી હતી. આ મામલે બોપલ પોલીસે સક્રિયતા દાખવીને ગણતરીના દિવસોમાં જ ચોરીનો ભાંડાફોડ કર્યો છે. પોલીસે બાતમીના આધારે ગુરુદ્વારા સ્મશાન નજીકથી 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓની પૂછપરછમાં ચોરીના અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.
બોપલ પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ
પોલીસને ખાનગી રાહે અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી મહત્વની બાતમી મળી હતી કે કેટલીક શંકાસ્પદ વ્યક્તિઓ ચોરીના મુદ્દામાલ સાથે સ્મશાન નજીક ફરી રહી છે. વોચ ગોઠવીને પોલીસે ચારેય શખ્સોને દબોચી લીધા હતા. આરોપીઓ પાસેથી પ્રખ્યાત જગુવાર (Jaguar) કંપનીના બાથરૂમ ફિટિંગ્સ અને નળના પાર્ટ્સ મળી આવ્યા હતા. આ સાથે પોલીસે ચોરીમાં વપરાયેલી એક ત્રણ પૈડાવાળી પેન્ડલ રિક્ષા પણ કબજે કરી છે. પોલીસે કુલ રૂ.1,78,246 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
