અમદાવાદ શહેરની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીઓ (RTO) ખાતે અરજદારોને ભોળવીને નાણાં પડાવતા એજન્ટો અને વચેટિયાઓ પર અંકુશ લાવવા માટે પોલીસ કમિશનર જી.એસ. મલિકે મોટું પગલું ભર્યું છે. શહેરની સુભાષ બ્રિજ અને વસ્ત્રાલ RTO કચેરીની આસપાસ બિનઅધિકૃત વ્યક્તિઓના જમાવડા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
અરજદારો પાસેથી પૈસા લઈ છેતરપિંડી કરતા એજન્ટ
સરકાર દ્વારા RTOમાં એજન્ટ પ્રથા નાબૂદ કરવામાં આવી હોવા છતાં, પોલીસના ધ્યાન પર આવ્યું હતું કે કેટલાંક ઇસમો કચેરીની આસપાસ ટોળી બનાવીને ઉભા રહે છે. નિર્દોષ નાગરિકોને ગેરમાર્ગે દોરી વચેટિયા તરીકે કામ કરી આપવાની લાલચ આપે છે. અરજદારો પાસેથી પૈસા લઈ છેતરપિંડી આચરી ભાગી જાય છે.










