ગુજરાતમાં નશાના કાળા કારોબાર અને તેના સાધનો વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશમાં અમદાવાદ પોલીસને મોટી સફળતા મળી છે. ખાસ કરીને યુવાનોમાં નશા માટે લોકપ્રિય બનેલા 'ગોગો રોલિંગ પેપર' (Gogo Rolling Paper) નું ઓનલાઇન વેચાણ હવે અમદાવાદમાં સત્તાવાર રીતે બંધ કરી દેવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી જોવામાં આવ્યું હતું કે, ક્વિક કોમર્સ એપ્લિકેશન્સ જેવી કે બ્લિંક-ઈટ (Blinkit) અને અન્ય ઓનલાઇન શોપિંગ વેબસાઇટ્સ પર આ પેપર સરળતાથી ઉપલબ્ધ હતા. આ પેપરનો ઉપયોગ નશાકારક પદાર્થો ભરીને સિગારેટ બનાવવા માટે થતો હોવાથી, તે સીધી રીતે નશાને પ્રોત્સાહન આપી રહ્યા હતા.
યુવાધનને બચાવવા મોટું કદમ
સુરતમાં SOG પોલીસ દ્વારા કરવામાં આવેલી ઓનલાઇન ગોડાઉન પરની કાર્યવાહી બાદ, અમદાવાદ પોલીસે પણ આ મામલે કડક વલણ અપનાવ્યું હતું. પોલીસની સૂચના અને સંભવિત કાયદેસરની કાર્યવાહીના ડરથી, બ્લિંક-ઈટ જેવી મોટી ઓનલાઇન ડિલિવરી એપ્સે પોતાના પ્લેટફોર્મ પરથી આ પ્રોડક્ટનું વેચાણ તાત્કાલિક અસરથી બંધ કરી દીધું છે. તપાસમાં જાણવા મળ્યું હતું કે, ઘણા યુવાનો મોડી રાત્રે આ એપ્સ દ્વારા ગોગો પેપર મંગાવતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, નશાના આડકતરા સાધનો પર પ્રતિબંધ મૂકવાથી યુવા પેઢીને નશાની ગર્તામાં જતા અટકાવી શકાશે. હવે પોલીસ આ મામલે ઓનલાઇન ઓર્ડર કરનારાઓનો ડેટા પણ ખંગાળી રહી છે જેથી તેમનું યોગ્ય કાઉન્સિલિંગ કરી શકાય. આ નિર્ણય બાદ અમદાવાદના પાન પાર્લરો અને ઓનલાઇન માર્કેટમાં આ પ્રતિબંધિત પેપર્સનું વેચાણ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.













