શહેરના પોલીસ વિભાગમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓ માનસિક અને શારીરિક રીતે વધુ મજબૂત બને તે હેતુથી આજે અમદાવાદમાં એક વિશેષ 'વોકાથોન'નું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા સશક્તિકરણ અને ફિટનેસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ પહેલમાં શહેરની મહિલા પોલીસ કર્મીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાઈ હતી.


CP જી.એસ. મલિક દ્વારા ફ્લેગ-ઓફ

આ વોકાથોનની શરૂઆત અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા કરાવવામાં આવી હતી. તેમણે લીલી ઝંડી બતાવી વોકાથોનનું પ્રસ્થાન કરાવ્યું હતું અને મહિલા પોલીસ કર્મચારીઓનો જુસ્સો વધાર્યો હતો.

સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિની હાકલ

આ પ્રસંગે પોલીસ કમિશનરે મહિલાઓને સંબોધતા એક મહત્વનો સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મહિલાઓ હંમેશા ઘર અને ફરજની બેવડી જવાબદારીઓમાં વ્યસ્ત રહે છે, પરંતુ આ દોડધામમાં તેઓ પોતાના સ્વાસ્થ્યની અવગણના કરે છે. તેમણે ખાસ અપીલ કરી હતી કે "મહિલાઓએ હેલ્થ કોંશિયસ (સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત) બનવું ખૂબ જ જરૂરી છે. ઘરની જવાબદારીઓ નિભાવવાની સાથે સાથે પોતાની હેલ્થની જવાબદારી રાખવી પણ એટલી જ અનિવાર્ય છે."

મહિલા સશક્તિકરણની અનોખી પહેલ

આ વોકાથોન માત્ર ચાલવા પૂરતી મર્યાદિત ન રહેતા 'સશક્ત નારી'ના પ્રતીક સમાન બની રહી હતી. સામાન્ય રીતે ગુનાખોરી ડામવામાં વ્યસ્ત રહેતી પોલીસ ફોર્સની મહિલાઓએ આજે રસ્તા પર ઉતરીને સમાજને 'ફિટ ઇન્ડિયા'નો સંદેશ આપ્યો હતો.

આ પણ વાંચો:Surat: 14 વર્ષની સગીરાને મહારાષ્ટ્રમાં વેચવાના રેકેટનો પર્દાફાશ, લિંબાયત પોલીસે બેની ધરપકડ કરી

  • Follow us on: