અમદાવાદ શહેરમાં સતત વધતા જતા વાહનોના ભારણ અને ટ્રાફિક જામની સમસ્યાના કાયમી ઉકેલ માટે ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વના ફેરફારો કરવામાં આવી રહ્યા છે. આ કડીમાં શહેરના અત્યંત વ્યસ્ત એવા હીરાવાડી જંક્શન અને ગરીબ નગર ચાર રસ્તા પાસેના કટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હીરાવાડી જંક્શન પર નવો ટ્રાફિક પ્લાન

શહેરના હીરાવાડી વિસ્તારમાં પાંચ રસ્તા ભેગા થતા હોવાથી પીક અવર્સ (વ્યસ્ત સમય) દરમિયાન અહીં ભારે ટ્રાફિક જામ સર્જાતો હતો. વાહનચાલકોની સુવિધા માટે હવે હીરાવાડી જંક્શનનો મુખ્ય કટ બંધ કરી દેવામાં આવ્યો છે. તેના બદલે જંક્શનની બંને બાજુએ અંદાજે 200 મીટર દૂર નવા કટ આપવામાં આવ્યા છે. આ ફેરફારને કારણે ચાર રસ્તા પર સીધું વાહનોનું ભારણ ઘટશે અને ટ્રાફિક સતત વહેતો રહેશે.

ગરીબ નગર ચાર રસ્તા પર પણ અમલ

માત્ર હીરાવાડી જ નહીં, પરંતુ નજીકમાં આવેલા ગરીબ નગર ચાર રસ્તાનો કટ પણ ટ્રાફિક પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. અહીં અવારનવાર સર્જાતી ટ્રાફિકની ગૂંચવણોને ઉકેલવા માટે આ પગલું લેવાયું છે. ટ્રાફિક પોલીસના આ અભિગમને કારણે પીક અવર્સમાં વાહનચાલકોનો જે સમય બગડતો હતો તેમાં મોટો ઘટાડો થશે.

આ પણ વાંચો: Dahod: દારૂ ભરેલા એક્ટિવાને અજાણ્યા વાહને ઠોકર મારી, રસ્તા પર દારૂની રેલમછેલ અને 1નું મોત