એક તરફ્ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનચોમાસાની તૈયારીઓના ભાગરૂપે હવે શહેરમાં ક્યાંય પણ નવા ખાડા નહીં ખોદાય તેવી મોટી-મોટી જાહેરાતો કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ્ તંત્રના આ દાવાઓની પોલ ખુદ રામોલ-હાથીજણ વોર્ડમાં ખૂલી ગઈ છે. આ વિસ્તારમાં ઠેરઠેર કરાયેલા ખોદકામ અને બિસ્માર રસ્તાઓને કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રામોલ પોલીસ સ્ટેશન પાસે છેલ્લા બે મહિનાથી રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, જે પૂરું થવાનું નામ જ લેતું નથી. પરિણામે, સ્થાનિક વેપારીઓ, રહીશો અને ત્યાંથી પસાર થતા વાહનચાલકોને દિવસ-રાત ઉડતી માટી અને ધૂળ-ધુમાડા ખાવાનો વારો આવ્યો છે. લોકોના સ્વાસ્થ્ય સામે પણ હવે મોટું જોખમ ઊભું થયું છે.
મહત્વનું છે કે રાજ્યમાં ચોમાસું ગણતરીના દિવસોમાં જ દસ્તક દેવાની તૈયારીમાં છે. ગમે ત્યારે ધોધમાર વરસાદ તૂટી પડી શકે છે, પરંતુ બેદરકાર તંત્ર હજુ પણ ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. સ્થાનિકોમાં ભારે રોષ છે કે જો સમયસર આ રોડ બનાવવામાં નહીં આવે અને ખોદેલા ખાડાઓ તાત્કાલિક પૂરવામાં નહીં આવે, તો ચોમાસાના પહેલા જ વરસાદમાં આ ખાડાઓ જીવલેણ સાબિતથઈ શકે છે અને કોઈ મોટી જાનહાનિ થાય તેવી સંભાવનાને નકારી શકાય તેમ નથી.










