મણિનગર ચાર રસ્તા, રેલવે સ્ટેશન રોડ, કાંકરિયા તરફ્ જતો માર્ગ અને જવાહર ચોક જેવા ધમધમતા વિસ્તારોમાં રોજે રોજ ગેરકાયદેસર દબાણો વધતા સ્થાનિક રહીશો અને વેપારીઓ ભારે પરેશાની ભોગવી રહ્યા છે.

મુખ્ય માર્ગો પર જ દબાણકારો, લારી-ગલ્લાં અને પાથરણાંવાળાઓએ કાયમી જમાવટો કરી લીધો છે. રસ્તાઓનો મોટાભાગનો ભાગ દબાણમાં ઘેરાઈ જવાથી ટ્રાફ્કિ જામની રોજેરોજ વિકટ સમસ્યા સર્જાય છે. ખાસ કરીને પીક અવર્સમાં વાહનચાલકોને થોડાક જ અંતર માટે કલાકો સુધી અટવાઈ રહેવું પડે છે. ફૂટપાથો પર વેપારીઓએ સામાન ખડકી દીધો હોવાથી રાહદારીઓને પણ પોતાના જીવના જોખમે મુખ્ય રસ્તા પર ચાલવા મજબૂર બનવું પડે છે.

આ વિસ્તારમાં સવાર-સાંજ હોસ્પિટલ, શાળા કે સ્ટેશને જતા નાગરિકો માટે અવરજવર કરવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનું એન્ટી-એન્ક્રોચમેન્ટ ડિપાર્ટમેન્ટ ક્યારેક નામના ખાતર કામગીરી દર્શાવે છે, પરંતુ ટીમ ગયાના ગણતરીના કલાકોમાં જ પરિસ્થિતિ જસની તસ થઈ જાય છે.સ્થાનિકોનું કહેવું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફ્કિ પોલીસ દ્વારા માત્ર કાગળપરની કામગીરી કરવાને બદલે મણિનગરમાં આયોજનબદ્ધ અને કડક ઝુંબેશ ચલાવવામાં આવે. ગેરકાયદેસર દબાણો કાયમી ધોરણે દૂર કરી જવાબદારો સામે સખત કાર્યવાહી કરવામાં આવે તો જ વિસ્તારના લોકોને ટ્રાફ્કિ અને દબાણની આ કાયમી સમસ્યામાંથી મુક્તિ મળી શકે તેમ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો