નિરીક્ષણ દરમિયાન તેમણે સ્ટેશન પરિસરમાં ચાલી રહેલા બાંધકામ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી અને સંબંધિત અધિકારીઓને કામ સમયબદ્ધ રીતે તથા ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ કરવા સૂચનાઓ આપી. આ દરમિયાન સાબરમતી સ્ટેશનના પુનર્વિકાસ કાર્યો હેઠળ ગર્ડર અને ટ્રેસ લોન્ચિંગની આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી. આયોજન દરમિયાન ટ્રેન મૂવમેન્ટ અને બ્લોક સંબંધિત મુદ્દાઓ પર પણ વિચાર-વિમર્શ કરવામાં આવ્યો. આ પ્રસંગે નિર્માણ વિભાગના ચીફ પ્રોજેક્ટ મેનેજર ડી. આર. ચૌધરી તથા અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.
છત પ્લેટફોર્મથી અંદાજે 65 ફૂટની ઊંચાઈએ સ્થાપિત કરવામાં આવી રહી છે
સાબરમતી સ્ટેશનના પુનર્વિકાસ પૂર્ણ થયા બાદ કોન્કોર્સ વિસ્તારમાં વિશાળ વેઇટિંગ હોલ અને ફૂડ પ્લાઝા જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે, જેના કારણે મુસાફરોને વધુ સગવડ અને ઉત્તમ ભોજન સુવિધા મળશે. કોન્કોર્સનું ક્ષેત્રફળ અંદાજે 110 × 36 વર્ગમીટર હશે. હાઇ-રૂફનું કદ 122 × 171 મીટર અને 88 × 110 મીટર રહેશે, જેના દ્વારા કુલ અંદાજે 30,542 વર્ગમીટર વિસ્તાર ટ્રેક ઉપર આવરી લેવામાં આવશે. આ છત પ્લેટફોર્મથી અંદાજે 65 ફૂટની ઊંચાઈએ સ્થાપિત કરવામાં આવી રહી છે.
બાંધકામ એજન્સીઓને સુરક્ષા ધોરણોનું પાલન કરતાં કામ ઝડપથી પૂર્ણ કરવાની સૂચના
સ્ટેશન પુનર્વિકાસ યોજના અંતર્ગત મુસાફરોની સુવિધા માટે 20 લિફ્ટ, 20 એસ્કેલેટર અને 20 સીડીઓની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ આધુનિક સુવિધાઓથી મુસાફરોની અવરજવર સરળ બનશે.ડીઆરએમએ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને સ્ટેશન પર વિકસાવવામાં આવી રહેલી આધુનિક મુસાફર સુવિધાઓ, સ્ટેશન બિલ્ડિંગ, પ્લેટફોર્મ વિસ્તાર અને અન્ય મૂળભૂત માળખાકીય સુવિધાઓનું પણ નિરીક્ષણ કર્યું. તેમણે બાંધકામ એજન્સીઓને સુરક્ષા ધોરણોનું પાલન કરતાં કામ ઝડપથી પૂર્ણ કરવાની સૂચના આપી, જેથી મુસાફરોને ટૂંક સમયમાં વધુ સારી અને આધુનિક સુવિધાઓ મળી શકે.
