અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા એક યુવકને પોતાની ટ્યુશન ફી ભરવા માટે પોતાના જ એક મિત્ર પર ભરોસો કરવો અત્યંત ભારે પડ્યો છે. માત્ર ૪ હજાર રૂપિયાની જરૂરિયાત સામે મિત્રએ સોના-ચાંદીના લાખોના દાગીના પડાવી લઈને છેતરપિંડી આચરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

4 હજાર ખોવાયા અને 6.58 લાખ ગુમાવવાનો વારો આવ્યો

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભોગ બનનાર યુવકની ટ્યુશન ફી ભરવા માટેના ૪,૦૦૦ રૂપિયા ક્યાંક પડી ગયા હતા. ફી ભરવાની છેલ્લી તારીખ નજીક હોવાથી અને આર્થિક ભીંસ હોવાના કારણે યુવકે પોતાના મિત્ર વિજય મેઘવાલ પાસે મદદની ગુહારી લગાવી હતી. કપટી મિત્ર વિજયે યુવકની મજબૂરીનો ફાયદો ઉઠાવવાનું આયોજન કર્યું અને તેને સલાહ આપી કે, "જો તારી પાસે ઘરમાં કોઈ સોના-ચાંદીના દાગીના પડ્યા હોય તો તે મને આપ, હું તેને ગિરવે (ગીરે) મૂકીને તારી ફીના રૂપિયાની વ્યવસ્થા કરી આપું." મિત્રની વાતોમાં આવીને યુવકે ઘરના આશરે રૂપિયા ૬.૫૮ લાખની કિંમતના સોના અને ચાંદીના દાગીના વિજયને સોંપી દીધા હતા.

દાગીના ઓળવી જઈ આપવા લાગ્યો ધમકીઓ

આરોપી વિજય મેઘવાલે દાગીના મેળવી લીધા બાદ તેને બજારમાં ગિરવે મૂકી દીધા હતા અને ટ્યુશન ફીના રૂપિયા આપી દીધા હતા. જો કે, થોડા સમય બાદ જ્યારે ફરિયાદી યુવકે પોતાના દાગીના છોડાવીને પરત આપવાની વાત કરી, ત્યારે આરોપી વિજયે વાયદાબાજી શરૂ કરી દીધી હતી. લાંબો સમય વીતી જવા છતાં વિજયે દાગીના પરત આપ્યા નહોતા અને આખરે તે ચોખ્ખી ના પાડીને વિશ્વાસઘાત આચર્યો હતો. પોતાની સાથે લાખો રૂપિયાની ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થતાં જ યુવકે રાણીપ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે ફરિયાદીની અપીલના આધારે આરોપી વિજય મેઘવાલ વિરૂદ્ધ ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Surat: ચોકબજારમાંથી ગુમ થયેલા ત્રણેય બાળકોનું પરિવાર સાથે મિલન, માતા-પિતાની આંખોમાં હર્ષના આંસુ