શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નિકોલ વોર્ડમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.GIDC રોડ નંબર 5 નજીકના મધુમાલતી આવાસની સામે અને રામદેવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની પાછળ આવેલા શ્રીનાથ એસ્ટેટના ગેટ પાસે જ હાલ અસહ્ય ગંદકી અને દૂષિત પાણીનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળી રહ્યું છે. કોઈપણ વ્યક્તિ કે વેપારી શ્રીનાથ એસ્ટેટમાં પ્રવેશ કરે કે તરત જ સ્વચ્છતાને બદલે દુર્ગંધ મારતો કચરો અને ભરાયેલાપાણીથી તેમનું સ્વાગત થાય છે. એસ્ટેટના મુખ્ય પ્રવેશદ્વાર પર જ આવી બગડેલી પરિસ્થિતિને કારણે મહાનગરપાલિકાના દાવાઓ સામે અને ખાસ કરીને સફાઈ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક રહીશો તથા એસ્ટેટમાં આવેલી ફેક્ટરીઓ અને દુકાનોમાં કામ કરતા લોકોમાં ચર્ચા છે કે જો આ જગ્યાએથી સત્વરે કચરો હટાવીને કાયમી નિકાલ કરવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં માખી અને મચ્છરનો ઉપદ્રવ બેહદ વધી જશે. હાલના વાતાવરણમાં મચ્છરોનો ઉપદ્રવ વધવાને કારણે ડેન્ગ્યુ, મલેરિયા તેમજ અન્ય પાણીજન્ય કે મચ્છરજન્ય ગંભીર રોગો ફેલાવાનું જોખમ તોળાઈ રહ્યું છે.
