અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દર વર્ષે ચોમાસા પહેલાં કરોડો રૂપિયાના ખર્ચે રોડ-રસ્તા અને ડ્રેનેજ લાઈનની મરામત કરવાના મોટા-મોટા દાવા કરે છે. પરંતુ આ દાવાઓ માત્ર કાગળ પર જ રહેતા હોવાનો જીવતો જાગતો પુરાવો એસ.જી. હાઈવે પર જોવા મળ્યો છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારના સૌથી વ્યસ્ત ગણાતા ગોતાથી સોલા જવાના સર્વિસ રોડ પર અચાનક રોડનો એક મોટો હિસ્સો જમીનમાં ગરકાવ થઈ ગયો હતો અને મોટો ભયાનક ભૂવો પડી ગયો હતો. સદનસીબે આ સમયે કોઈ વાહન ત્યાંથી પસાર ન થઈ રહ્યું હોવાથી મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી છે.
ટ્રાફિકથી ધમધમતો રસ્તો બેરિકેડિંગ કરી સીલ કરાયો
ભૂવો પડવાની જાણ થતાં જ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનનો સ્ટાફ દોડતો થયો હતો. ટ્રાફિકની ગંભીર સમસ્યા ન સર્જાય અને કોઈ વાહનચાલક તેમાં ખાબકે નહીં તે માટે તાત્કાલિક ધોરણે આખા સર્વિસ રોડ પર બેરિકેડ્સ ગોઠવીને વાહન વ્યવહાર માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. હજુ તો આકાશમાંથી વાદળો બરાબર વરસ્યા પણ નથી, ત્યાં જ રસ્તો ધસી પડતાં સ્થાનિક રહીશો તંત્રના હલકા કક્ષાના રોડ કોન્ટ્રાક્ટ અને ભ્રષ્ટાચાર સામે સોશિયલ મીડિયા પર આક્રોશ ઠાલવી રહ્યા છે.










