અમદાવાદ શહેરમાં ઉત્તરાયણ પર્વની હજુ તો શરૂઆત થાય તે પહેલાં જ જીવલેણ દોરીએ નિર્દોષ વાહનચાલકોના લોહી વહેવડાવવાનું શરૂ કર્યું છે. શહેરના મેમકો વિસ્તારમાં એક યુવક પોતાની બાઇક પર પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક પતંગની કાચ પાયેલી દોરી ગળાના ભાગે આવી જતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. રસ્તા પર લોહીલુહાણ હાલતમાં યુવકને જોઈને અફરાતફરી મચી ગઈ હતી. જોકે, આ સમયે ત્યાંથી પસાર થતા એક પોલીસ કોન્સ્ટેબલે અત્યંત સંવેદનશીલતા દાખવી હતી. તેમણે 108 એમ્બ્યુલન્સની રાહ જોવામાં સમય બગાડ્યા વગર તુરંત જ ઇજાગ્રસ્ત યુવકને પોતાની બાઇક પર બેસાડ્યો અને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડ્યો હતો.
દોરીનો આતંક
પોલીસ કોન્સ્ટેબલની આ ત્વરિત સૂઝબૂઝ અને માનવતાભર્યા અભિગમને કારણે યુવકને સમયસર તબીબી સારવાર મળી શકી હતી, જેનાથી તેનો જીવ બચી ગયો છે. તબીબોના મતે જો થોડી પણ મોડું થયું હોત તો ગંભીર રક્તસ્ત્રાવને કારણે સ્થિતિ કાબૂ બહાર જઈ શકતી હતી. આ ઘટનાનો વીડિયો અને વિગતો સામે આવતા જ સોશિયલ મીડિયા પર લોકો અમદાવાદ પોલીસની કામગીરીના ભારોભાર વખાણ કરી રહ્યા છે. આ કિસ્સો ફરી એકવાર ચેતવણી આપી રહ્યો છે કે વાહનચાલકોએ હવે ગળાના ભાગે સેફ્ટી ગાર્ડ અથવા રૂમાલ બાંધીને જ નીકળવું જોઈએ જેથી આવા અકસ્માતોથી બચી શકાય.













