શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના કથિત અપમાનને લઈને સાધુ-સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે, સનાતન ધર્મના પ્રચાર-પ્રસારમાં સંત સમાજ એક અભિન્ન અંગ છે અને તેમનું સન્માન જળવાવું અનિવાર્ય છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે સંતોની પ્રાથમિક ફરજ વિવાદને સંવાદ દ્વારા ઉકેલવાની હોય છે. પ્રયાગરાજ મેળામાં સંતો અને સરકાર વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહ અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે અપીલ કરી છે કે બંને પક્ષો વચ્ચેના મતભેદોનું વહેલી તકે સમાધાન લાવવામાં આવે જેથી ધર્મનું ગૌરવ જળવાઈ રહે.
વાદ નહીં સંવાદ
ઋષિ ભારતી બાપુએ વધુમાં ઉમેર્યું હતું કે, સનાતન ધર્મનો વ્યાપ વધારવા માટે સરકાર અને સંત સમાજ બંનેએ સાથે મળીને વિચારવું જોઈએ. સંતોએ બિનજરૂરી વાદ-વિવાદથી દૂર રહીને સમાજને સાચી દિશા બતાવવાનું કાર્ય કરવું જોઈએ. ખાસ કરીને પ્રયાગરાજ જેવા પવિત્ર સ્થળે ચાલી રહેલા વિવાદથી શ્રદ્ધાળુઓમાં ખોટો સંદેશ ન જાય તે માટે સરકારે પણ હકારાત્મક અભિગમ અપનાવવો જરૂરી છે. સંત સમાજની ગરિમા અને શંકરાચાર્ય પદની મર્યાદા જાળવી રાખીને આ વિવાદનો સુખદ અંત લાવવા માટે તેમણે આહ્વાન કર્યું છે.













